દહેરાદૂન, તા. 03 મે 2022 મંગળવાર : સમગ્ર દેશમાં આજે અક્ષય તૃતીયાનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે.આ શુભ તિથિના અવસરે આજથી ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શરૂ થઈ રહી છે.કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી ચારધામ યાત્રા પર પ્રતિબંધ રહ્યો.એવામાં શ્રદ્ધાળુઓમાં આ યાત્રા શરૂ થવાથી લઈને ઘણો ઉત્સાહ છે.આશા છે કે આ વખતે પણ દેશના ખૂણે-ખૂણેથી શ્રદ્ધાળુ ચાર ધામની યાત્રા કરવા પહોંચશે.ભક્તોની યાત્રાને સરળ બનાવવા માટે સરકારે કોરોના ટેસ્ટ અને વેક્સિનેશન સર્ટિફિકેશનની તપાસને પણ અનિવાર્ય કરી નથી.
ગંગોત્રી ધામના દ્વાર 3 મે એટલે કે આજે 11:15 મિનિટે ખુલી ગયા.દ્વાર ખુલવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ હાજરી આપી.યમુનોત્રી ધામના કપાટ આજે બપોરે 12:15 મિનિટે ખુલ્યા.કાર્યક્રમ અનુસાર કેદારનાથ ધામના કપાટ 6 મે એ સવારે 6:25 મિનિટ પર ખુલશે.બદ્રીનાથ ધામના કપાટ 8 મે એ સવારે 6:15 મિનિટે ખુલશે.ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના આવવાનુ અનુમાન છે કેમ કે આગામી કેટલાક દિવસ માટે રજિસ્ટ્રેશન પહેલાથી જ ફુલ છે.
ઉત્તરાખંડ સરકારે આજથી શરૂ થનારી ચારધામ યાત્રા માટે તીર્થયાત્રીઓની સંખ્યા નક્કી કરી દીધી છે.સરકારી આદેશમાં કહેવામાં આવ્યુ છે કે દરરોજ 15 હજાર શ્રદ્ધાળુ બદ્રીનાથના દર્શન કરી શકશે.જ્યારે કેદારનાથમાં 12 હજાર, ગંગોત્રીમાં 7 હજાર અને યમુનોત્રીમાં 4 હજાર શ્રદ્ધાળુઓ પ્રતિદિન દર્શન કરવાની પરવાનગી હશે.આ સમય મર્યાદા પહેલા 45 દિવસ માટે લાગુ કરાઈ છે.પ્રદેશ સરકારે આ પ્રતિબંધ કોરોનાના વધતા કેસના કારણે કર્યા છે.
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે પર્યટન વિભાગ દ્વારા સંચાલિત પોર્ટલ પર પોતાનુ રજિસ્ટ્રેશન કરાવી શકો છો.મુસાફરની સુવિધાને ધ્યાનમાં રાખતા ઉત્તરાખંડ સરકારે મુસાફરને રોકાવાની વ્યવસ્થા, ખાવા-પીવા અને પાર્કિંગની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે.શ્રદ્ધાળુઓના આગમન પહેલા રાજ્યના પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.