લોકડાઉનથી બેકાર ચા વાળાએ આગવી રીતે ગુસ્સો ઠાલવ્યો
બારામતી તા.10 : મહારાષ્ટ્રનાં બારામતીનાં એક ચા વાળાએ વડાપ્રધાન મોદીને દાઢી કરાવવા માટે 100 રૂપિયાનું મનીઓર્ડર મોક્લ્યુ છે.લોકડાઉનથી પોતાનો ધંધો ઠપ્પ થતાં વડાપ્રધાન મોદી સામે આગવી રીતે નારાજગી-વિરોધ વ્યકત કરનાર અનિલ મોરે નામના શખ્સનું કહેવુ છે કે લોકડાઉનનાં કારણે અનેક લોકોનું કામ ઠપ્પ થઈ ગયુ છે.
રોજગાર બંધ થઈ ગયા છે.તેણે કહ્યું હતું કે હું મારી કમાણીમાંથી 100 રૂપિયા મોકલી રહ્યો છું.જેથી મોદી દાઢી કરાવી શકે.તેણે એવો કટાક્ષ કર્યો હતો કે મોદીએ જો કંઈ વધારવુ જ છે તો રોજગાર વધારે,લોકોની સ્વાસ્થ્ય સુવિધા માટે વેકિસનેશન સેન્ટર વધારે લોકોની સમસ્યા હલ કરવા પર ધ્યાન આપે.અનિલ શહેરની એક પ્રાઈવેટ હોસ્પિટલ પાસે પોતાની ચાની દુકાન ચલાવતો હતો.દોઢ વર્ષથી લોકડાઉનના કારણે તેનો ધંધો બંધ પડી ગયો હતો.આથી નારાજ થઈને તેણે સીધો નરેન્દ્ર મોદીને જ રજીસ્ટર પત્ર લખ્યો.જેમાં તેણે કોરોનાથી જીવ ગુમાવનાર દરેક શખ્સના પરિવારને પાંચ લાખ રૂપિયા અને આગળ લોકડાઉન વધવા પર દરેક પરિવારને 30 હજાર રૂપિયાની મદદ આપવાની માંગ કરી છે.

