નવસારી, તા. 28 એપ્રિલ 2023 શુક્રવાર : બીલીમોરા મિત્રને દવાખાને મળવા આવેલા ચીમલાના ડે.સરપંચ ઉપર બીલીમોરા રેલ્વે અંડરપાસમાં 7 થી 8 શખ્સોએ આંતરીને જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઇ હતી.તેમના ગામની જુની અદાવતમાં હુમલા કરાયાની આશંકા છે.ચીખલી તાલુકાના ચીમલામાં રહેતા અને હાલના ડે.સરપંચ હરીશભાઈ પટેલ (ઉ.વ.46) બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા તેમના મિત્રને મળવા આવ્યા હતા.જ્યાંથી તેઓ રાત્રે 8 કલાકે નીકળી બીલીમોરા રેલ્વે અંડરપાસમાંથી ચીખલી તરફ જવા તેમની વેગનઆર કારમાં નીકળ્યા હતા.
દરમિયાન તેઓ રેલ્વે અંડરપાસમાંથી ડેપો તરફ નીકળતા અંડરપાસમાં અગાઉથી જ ઉભા રહેલા 7થી 8 જેટલા શખ્સોએ તેમની કારને આંતરી હરીશભાઈ ઉપર હુમલો કરી દીધો હતો.તેમને કારમા જ તેમના જમણા હાથ ઉપર લાગલગાટ તીક્ષ્ણ હથિયાર સાથે ઉપરાછાપરી ઘા મારી ગંભીર ઘાયલ કરી દીધા હતા.
અચાનક બનેલી આ ઘટનાને પગલે થોડીવાર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકટોળુ એકત્ર થઈ જતા હુમલાખોરો બાઇક પર પલાયન થઈ ગયા હતા.આ ઘટનાને પગલે અફરાતફરી મચી ગઇ હતી.ઘાયલ અવસ્થામાં નગીનભાઇને પ્રથમ સારવાર માટે મેંગુષી હોસ્પિટલમાં ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.બીલીમોરા પોલીસે બનાવ અંગે કાર્યવાહી હાથ ધરી છે.