– નવા FDI નિયમોને ભારતની ભેદભાવવાળી નીતિ દર્શાવી
એજન્સી,નવી દિલ્હી
વૈશ્વિક કોરોના મહામારી અને દેશવ્યાપી લોકડાઉનને લીધે ભારતની અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર પડી રહી છે.જેના લીધે ભારતીય કંપનીઓ પર વિદેશી કંપનીઓનુ વર્ચસ્વ વધવાની સંભાવનાએ ભારત સરકારે FDI નિયમોમાં ફેરફાર કર્યો હતો.
ચીને નવા FDI નિયમોની ટીકા કરી છે.ચીન મુજબ ભારતની આ નીતિ વિશ્વ વેપાર સંગઠનના સિદ્ધાંતો વિરુદ્ધ છે.દિલ્હીમાં સ્થિત ચીનના દૂત આવાસના પ્રવક્તા જી રોન્ગે એક નિવદેનમાં આશા વ્યક્ત કરી છે કે ભારત આ ભેદભાવવાળી નીતિ બદલશે અને અલગ-અલગ દેશોના રોકાણકારો માટે એકસરખુ વર્તન કરશે.જી રોન્ગે સોમવારે એક ટ્વીટ કરી કહ્યુ કે,ચીની રોકાણ ભારતમાં ઉદ્યોગના વિકાસ અને રોજગારની તકોનું સમર્થન કરે છે.અમારી કંપનીઓ કોરોના મહામારી વિરુદ્ધ ભારતની લડાઇમાં સક્રિય રીતે મદદ કરી રહી છે.
કોરોના મહામારી દરમિયાન ચીની રોકાણ અને ભારતીય કંપનીનુ ટેકઓવર રોકવા માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લેતા એફડીઆઇ નિયમો બદલ્યા હતા.જે હેઠળ કોઇપણ વિદેશી કંપની કોઇપણ ભારતીય કંપનીનું ટેકઓવર નહી કરી શકે.
અર્થવ્યવસ્થાને ભારે નુકસાનના દોરમાં સરકાર અનુભવી રહી છે કે,ચીની કંપનીઓ ભારતીય કંપનીઓને ટેકઓવર કરવાના ફિરાકમાં છે.જેથી સરકારે નિયમોમાં ફેરફાર કરી તેની સંભાવનાને ખતમ કરી નાંખી છે.જે ચીન માટે અસહય થઇ પડ્યુ છે.ચીની કંપનીઓના આ પ્રકારના પગપેસારાને રોકવા માટે અન્ય દેશો પણ નિયમોમાં ફેરફાર કરી ચૂક્યા છે.ઇટાલી,સ્પેન અને જર્મની પણ FDI નિયમો બદલી ચૂક્યા છે.