નવી દિલ્હી,તા.01 સપ્ટેમ્બર 2022,ગુરૂવાર : ચીનમાં માનવાધિકારને તાક મુકીને મુસ્લિમો પર જુલમ થઈ રહ્યા છે.શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગર મુસ્લિમો પરના અત્યાચારની ઘણી વાતો સપાટી પર આવતી રહી છે. હવે યુએનના એક રિપોર્ટમાં ચીન પર માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘનનો આરોપ લગાવાયો છે.જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીનમાં બનાવવામાં આવેલા ડિટેન્શન સેન્ટરોમાં મુસ્લિમ કેદીઓને અમાનવીય યાતનાઓ આપવામાં આવે છે.મુસ્લિમો પર પરિવાર નિયોજન અને જન્મ દર નિયંત્રણની નીતિઓ લાગુ કરવામાં આવે છે.જે ભેદભાવભરી છે.મુસ્લિમોને અહીંયા બળજબરીથી દવાઓ આપવામાં આવે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, ચીનની કેટલીક કાર્યવાહી તો માનવતા સામેના અપરાધ સહિત ઈન્ટરનેશનલ ક્રાઈમની કેટેગરીમાં મુકી શકાય તેવી છે.ચીનમાં સામ્યવાદી સરકાર હોવાથી ચીનના અત્યાચારોની પૂરી કહાની તો હજી દુનિયા સામે આવી જ નથી.યુએનના રિપોર્ટમાં કહેવાયુ છે કે, કેટલા લોકોને ડિટેન્શન સેન્ટરમાં રખાયા છે તે ચોક્કસપણે કહી શકાય તેમ નથી.જોકે માનવાધિકારી માટે કામ કરતા સંગઠનોનુ માનવુ છે કે, એકલા શિનજિયાંગ પ્રાંતમાં જ 10 લાખ લોકોને આવા સેન્ટરોમાં રખાયા છે.જ્યાં તેમને તરેહ તરેહની યાતના આપવામાં આવે છે.
ચીનને યુએનના રિપોર્ટની જાણકારી પહેલેથી મળી ગઈ હતી.જેના કારણે ચીને કરેલા દબાણના પગલે લાંબા સમય સુધી આ રિપોર્ટ રોકી રાખવામાં આવ્યો હતો.જે હવે જાહેર થઈ ગયો છે.


