ટોક્યો, તા. 14 માર્ચ 2022, સોમવાર : ચીનમાં ફરી એક વખત કોરોના મહામારીએ પગપેસારો કર્યો છે.સ્થિતિ એ હદે વણસી રહી છે કે,પ્રશાસને અનેક શહેરોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો લાગુ કરવાનું શરૂ કરી દીધું છે.ચીનના શેનઝેન શહેરમાં કોરોના લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે.આ કારણે શહેરના 1.7 કરોડ લોકો પોતાના ઘરોમાં કેદ થઈ ગયા છે.આના પહેલા ચીનના સ્થાનિક પ્રશાસને પ્રથમ વખત કોરોના રેપિડ ટેસ્ટ શરૂ કર્યા છે.
ચીનમાં ફરી એક વખત કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે.રવિવારે ચીનમાં કોરોનાના 3,400 કેસ સામે આવ્યા બાદ હાહાકાર મચી ગયો હતો.આ આંકડો છેલ્લા બે વર્ષમાં સૌથી મોટો દૈનિક કેસ આંક છે અને શનિવારની સરખામણીએ તે આંકડો બમણાથી પણ વધારે છે.
શનિવારે 1,700 કેસ નોંધાયા બાદ આગલા દિવસે તેમાં બમણો વધારો નોંધાયો.કોરોના કેસની સંખ્યામાં દેશવ્યાપી વધારા બાદ શાંઘાઈની શાળાઓ સહિત ઉત્તર-પૂર્વીય શહેરોને બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ ચીનના 19 પ્રાંત ઓમિક્રોન અને ડેલ્ટા વેરિએન્ટનો સામનો કરી રહ્યા છે.જીલિન પ્રાંતને આંશિકરૂપે બંધ કરી દેવામાં આવ્યું છે.
ઉત્તર કોરિયાને અડીને આવેલા 7 લાખની વસ્તી ધરાવતા યાંજી શહેરને રવિવારે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું હતું. 90 લાખની ઔદ્યોગિક વસ્તી ધરાવતા ચાંગચૂન શહેરને પણ જીલિનના પાડોશી હોવાના નાતે શુક્રવારથી લોક કરી દેવામાં આવ્યું છે.જીલિન પ્રાંતના 2 નાના શહેરો સિપિંગ અને દુનહુઆને પણ લોક કરવામાં આવ્યા છે.જીલિનના મેયર અને ચાંગચૂનના હેલ્થ કમિશનરને શનિવારે બેદરકારી દાખવવાના આરોપસર ડીસમીસ કરી દેવામાં આવ્યા હતા.
ઝીરો કોવિડ નીતિ ફેઈલ
2019માં કોવિડના આગમન બાદથી ચીને ઝીરો કોવિડ નીતિ અપનાવેલી છે.આ માટે ત્વરિત લોકડાઉન,યાત્રા પ્રતિબંધ અને માસ ટેસ્ટિંગની નીતિ પર જોર આપવામાં આવ્યું.આટલા આકરા પ્રતિબંધો છતાં ઓમિક્રોનના લક્ષણો વગરના કેસની સંખ્યામાં થઈ રહેલા વધારાએ ચીનની આ પદ્ધતિઓને ચેલેન્જ કરી છે.