બેઈજિંગ, તા. 14 મે 2020, ગુરૂવાર
કોવિડ-19 બીમારી મામલે વિશ્વને અંધારામાં રાખવા મામલે ચીન પહેલેથી જ બદનામ છે ત્યારે અમેરિકી સમાચાર વેબસાઈટ ફોરેન પોલિસીને એક ચોંકાવનારો રિપોર્ટ હાથ લાગ્યો છે.લીક થયેલા એક ડેટાના આધારે ચીનના 230 શહેરો કોરોનાના ભરડામાં આવ્યા હોવાનું અને 6.40 લાખ લોકો સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.
આ ડેટામાં ફેબ્રુઆરીથી લઈને એપ્રિલના અંત સુધીની સંક્રમિત લોકોની યાદી છે. સંક્રમિત દર્દીઓની મજબૂત સંખ્યાની સાથે જ તેમાં તેમનો કેસ જ્યાંથી નોંધાયો તે સ્થળનું જીપીએસ કોડિંગ પણ સામેલ છે. ચીની સેનાની એન્જિનિયરીંગ એકેડમી નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટેક્નોલોજી ખાતેથી લીક થયેલા આ ડેટામાં હોસ્પિટલ ઉપરાંત સંક્રમિતો જ્યાંથી મળ્યા તે હોટેલ,સુપરમાર્કેટ,રેલવે સ્ટેશન,રેસ્ટોરા અને સ્કુલ જેવા સ્થળોના નામ પણ સામેલ છે.
ઉદાહરણ તરીકે તેમાં લખ્યું છે કે,14 માર્ચના રોજ પૂર્વીય શહેર ઝિંઝિયાંગના એક રેસ્ટોરામાંથી કોવિડ-19નો એક કેસ મળ્યો જ્યારે હરબિન ખાતેના એક ચર્ચમાંથી 17 માર્ચના રોજ સંક્રમણના બે કેસ મળ્યા.જો કે,આ ડેટામાં સંક્રમિત દર્દીઓ સાજા થયા કે મૃત્યુ પામ્યા તેનો કોઈ ઉલ્લેખ નથી.આ તરફ ચીનના દાવા પ્રમાણે દેશમાં એકમાત્ર હુબેઈ પ્રાંત જ સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત થયું છે અને દેશમાં સંક્રમિત લોકોની મહત્તમ સંખ્યા 83,000થી વધારે નથી.
વુહાનમાં 1.10 કરોડ લોકોની તપાસ થશે
ચીનના વુહાન ખાતે કોરોનાના બીજા હુમલાની આશંકા છે. વુહાનમાં એક જ દિવસમાં નવા છ કેસ સામે આવ્યા બાદ અધિકારીઓએ વુહાનના તમામ નાગરિકોનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવશે તેવું જાહેર કર્યું છે.વુહાનની વસ્તી 1.10 કરોડની છે. સમગ્ર ચીનમાં 16 નવા કેસ સામે આવ્યા છે જે પૈકીના 15 લોકોમાં કોઈ જ લક્ષણો નહોતા જણાયા.
અમેરિકામાં 24 કલાકમાં 1,894ના મોત
અમેરિકામાં માત્ર 24 કલાકમાં જ 1,894 લોકોના મોત થયા છે.આ સાથે જ દેશમાં મૃતકઆંક 84,000ના આંકડાને પાર કરી ગયો છે.
નેપાળમાં એક દિવસમાં 83 દર્દી
બુધવારે નેપાળમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધારે 83 કેસ સામે આવ્યા હતા.તે પૈકીના 23 સંક્રમિતો ભારત-નેપાળના સરહદી ક્ષેત્રના છે. આ સાથે જ નેપાળમાં સંક્રમિતોની કુલ સંખ્યા 217 થઈ ગઈ છે.
સિંગાપુરમાં વિદેશી મજૂરોની તપાસ
સિંગાપુરે પોતાના દેશમાં રહેતા 3.23 લાખ વિદેશી મજૂરોની તપાસ કરવામાં આવશે તેમ જાહેર કર્યું છે.આ તમામ લોકો ડોરમેટ્રીમાં રહે છે.સિંગાપુરમાં ડોરમેટ્રીમાં રહેતા 32,000થી વધારે મજૂરો કોરોનાથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.


