નવી દિલ્હી, તા. 19 જૂન 2020, શુક્રવાર
સરહદ પર ભારત અને ચીન વચ્ચે વ્યાપેલા તણાવ વચ્ચે ચીની હેકર્સ ભારત પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સાઈબર ઈન્ટેલિજન્સ ફર્મ Cyfirmaના અહેવાલ પ્રમાણે ચીની હેકર્સ ભારતમાં વિવિધ ઓર્ગેનાઈઝેશન્સ પર હુમલો કરી શકે છે જેમાં ફાર્માથી લઈને ટેલિકોમ,મીડિયા અને કેટલીક સરકારી વેબસાઈટ્સનો પણ સમાવેશ થાય છે. ચીની હેકર્સ વિવિધ ક્ષેત્રને નુકસાન પહોંચાડવાના ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે.
Cyfirmaના ફાઉન્ડર કુમાર રિતેશે જણાવ્યું કે, ‘ચાઈનીઝ હેકિંગ ગ્રુપ્સ અને કોમ્યુનિટીમાં ગત સપ્તાહે સરહદે જે સ્થિતિ નિર્માણ પામી ત્યાર બાદ ભારતને પાઠ ભણાવીએ જેવા ડિસ્કશન વધી ગયા છે.’ સંશોધકોએ જાણ્યું કે,આવી કોમ્યુનિટીમાં હેકિંગ ગ્રુપ્સ અંદરોઅંદર ભારત સરકારની વેબસાઈટ્સ,મીડિયા,ટેલિકોમ કંપનીઓ,ફાર્મા કંપનીઓ,સ્માર્ટફોનથી લઈને કન્સ્ટ્રક્શન અને ટાયર કંપનીઝને પણ નિશાન બનાવવા અંગેની વાત કરી રહ્યા છે.
અનેક મોટી કંપનીઓ લિસ્ટમાં
રિતેશે જણાવ્યું કે, ડાર્ક વેબ પર ફરી રહેલા ભારતીય કંપનીઓના આ ‘ટાર્ગેટ લિસ્ટ’માં અનેક મોટા નામ પણ સામેલ છે.ભારતના મોટા મીડિયા ઓર્ગેનાઈઝેશન્સ સિવાય ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જીઓ, એરટેલ, બીએસએનએલના નામ પણ તેમાં સામેલ છે. તે સિવાય દવા બનાવતી કંપની સિપલા અને સન ફાર્માસ્યુટિકલ નિશાન પર છે. સાથે જ ભારતીય ફોન મેકર્સ માઈક્રોમેક્સ અને ઈન્ટેક્ટ ટેક્નોલોજી સિવાય એમઆરએફ અને એપોલો ટાયર પણ આ યાદીમાં છે.
બે હેકિંગ ગ્રુપ્સ છે એક્ટિવ
હેકર્સ ભારત સરકારના વિવિધ મંત્રાલયોની વેબસાઈટ્સને પણ આવા એટેકના પ્રાઈમ ટાર્ગેટ બનાવવા માંગે છે. જાણવા મળ્યા મુજબ બે મોટા ચાઈનીઝ હેકર્સ ગ્રુપ Gothic Panda અને Stone Panda આવા હુમલા કરી શકે છે.આ બંને ગ્રુપ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી સાથે સંકળાયેલા છે અને તેઓ વેબસાઈટ્સ-પ્લેટફોર્મની નબળી કડી શોધી રહ્યા છે જેથી તેના વડે નુકસાન પહોંચાડી શકાય.તે સિવાય તેમના તરફથી મૈલિશસ ફિશિંગના કેમ્પેઈન પણ ચાલી શકે છે.


