- હથિયારો સાથે ચીની સૈનિકો ધ્વજ ફરકાવતા હોવાનો વીડિયો વાઇરલ. અરૂણાચલના 15 વિસ્તારોના નામ બદલ્યા બાદ ચીને લદ્દાખ પાસે પેંગોંગ લેક પર પુલ બાંધ્યાની સેટેલાઇટ તસવીર સામે આવી
બેજિંગ : ચીને ભારત સરહદે આવેલી ગલવાન ઘાટી પર ફરી પોતાનો દાવો કર્યો છે,એટલુ જ નહીં ચીની સૈનિકોએ અહીં ચીનનો રાષ્ટ્રીય ધ્વજ પણ ફરકાવી દીધો હતો.હાથમાં હિથયારો અને ચીનના રાષ્ટ્રીય ધ્વજ સાથે ચીની સૈનિકો આ વિસ્તારમાં જોવા મળ્યા હતા,જેની તસવીર અને વીડિયો પણ સામે આવ્યા છે. આ એ જ ગલવાન ઘાટી છે કે જ્યાં વર્ષ 2020માં ભારત અને ચીની સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું,જેમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા.ચીની સૈનિકોએ અહીં ઝંડો ફરકાવીને તેની તસવીરો અને વીડિયો સૈન્યના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા જાહેર કરી ખુલ્લેઆમ ભારતને પડકાર ફેક્યો છે.
ચીન સરકારના અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં જિનપિંગ સરકારે એવો પણ દાવો કરી નાખ્યો છે કે ભારત સાથેની સરહદ પાસે આવેલી ગલવાન ઘાટીમાં એક ઇંચ જમીન પણ અમે નહીં આપીએ.ચીન સરકારના મીડિયા પ્રતિનિિધ શેન શિવેઇએ ટ્વીટ કરીને કહ્યું હતું કે નવા વર્ષ 2022ના પ્રથમ દિવસે જ ગલવાન ઘાટીમાં ચીનનો રાષ્ટ્રીય ધ્વજ લહેરાયો હતો.આ રાષ્ટ્રીય ધ્વજ બહુ જ ખાસ છે કેમ કે આ એજ રાષ્ટ્રીય ધ્વજ છે કે જેને ચીનના બેજિંગના તિયાનમેન સ્ક્વેર પર ફરકાવવામાં આવ્યો હતો તેવો દાવો ચીન સરકારના મીડિયા પ્રતિનિિધએ કર્યો હતો.
એટલુ જ નહીં ચીને અરૂણાચલ પ્રદેશના 15 જેટલા વિસ્તારોના નામ પોતાની રીતે બદલી નાખ્યા હતા અને આ વિસ્તારો પર પણ પોતાનો દાવો કર્યો હતો.અગાઉ અરૂણાચલ પ્રદેશને પોતાનો વિસ્તાર ગણાવતો નક્શો પણ ચીન જાહેર કરી ચુક્યું છે.ગલવાન ઘાટીમાં ચીનનો રાષ્ટ્રીય ધ્વજ ફરક્યો હતો જ્યારે કેટલીક સેટેલાઇટ તસવીરો જાહેર થઇ છે.જેમાં જણાઇ આવે છે કે ચીન લદ્દાખના પેંગોંગ લેકની આસપાસ પુલ બનાવી નાખ્યોં છે. આ પુલને કારણે ચીન બહુ જ ઝડપથી પોતાના સૈનિકોને સરહદ સુધી પહોંચાડી શકશે અને યુદ્ધ સામગ્રી લઇ જવામા પણ સરળતા રહેશે.આ સેટેલાઇટ તસવીરને જીઓ-ઇન્ટેલિજન્સ એક્સપર્ટ ડેનિમ સાયમોને જાહેર કરી હતી અને સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે પુલ લગભગ બનીને તૈયાર થઇ ગયો છે.લદ્દાખ સરહદે જ ગલવાન ઘાટી આવેલી છે.
એટલે કે આ વિસ્તારમાં ચીને ન માત્ર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો છે સાથે સાથે પોતાના વિસ્તારમાં આવેલા લેક પર પુલ પણ બનાવી નાખ્યો છે.ગલવાન ઘાટીમાં ચીનનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા મુદ્દે વિપક્ષે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલો કર્યા છે.કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ માગણી કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીની સૈનિકોની ઘુસણખોરી અને ચીની રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા મુદ્દે મૌન તોડે.તેમણે ટ્વીટ કરીને કહ્યુું કે ભારતનો રાષ્ટ્ર ધ્વજ તિરંગો ગલવાનમાં સારો લાગે છે.ચીને અહીં પોતાનો ઝંડો ફરકાવી દીધો છે તેથી તેને આક્રામક જવાબ આપવો જોઇએ.મોદીજી પોતાનુ મૌન તોડો.નોંધનીય છે કે વર્ષ 2020માં લદ્દાખની આ જ ગલવાન ઘાટીમાં ભારત અને ચીન સૈૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું.


