નવી દિલ્હી,તા. 31 જુલાઈ : પૂર્વ એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ શુક્રવારે ચીનના એક દાવાની પોલ ખોલી નાખી હતી જેમાં તેણે પોતાના જે-20 ફાઈટર વિમાનને રાફેલ કરતા વધુ સારા ગણાવ્યા હતા.ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્રમાં એક નિષ્ણાંતના હવાલાથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે રાફેલ સુખોઈ-30 MKI જેટ કરતા સારા જરૂર છે પરંતુ જે-20 સામે ન ટકી શકે.
કોમ્યુનિસ્ટ પાર્ટીની પ્રોપેગેન્ડા વેબસાઈટે એક કથિત મિલિટ્રી એક્સપર્ટ ઝાંગ શૂફેંગના હવાલાથી ‘આ ફક્ત એક ચતુર્થાંશ જનરેશન એડવાન્સ છે અને ગુણવત્તા મામલે તેમાં ઝાઝા ફેરફાર નથી’ તેમ કહ્યું હતું.વેબસાઈટે એક અજ્ઞાત નિષ્ણાંતના હવાલાથી લખ્યું હતું કે,રાફેલ ફક્ત થર્ડ પ્લસ જનરેશનનું ફાઈટર જેટ છે અને જે-20 સામે તેનું કશું નહીં ચાલે.
રાફેલને 4.5 જનરેશનનું ફાઈટર જેટ ગણાવનારા વાયુસેનાના પૂર્વ ચીફ બીએસ ધનોઆએ બે સાધારણ સવાલો દ્વારા ચીનના દાવાની પોલ ખોલી નાંખી હતી. ધનોઆએ સવાલ કર્યો હતો કે, ‘જો જે-20 હકીકતમાં પાંચમી પેઢીના ફાઈટર જેટ છે તો તેના પર કનાર્ડ્સ કેમ છે,જ્યારે અમેરિકાના પાંચમી પેઢીના ફાઈટર જેટ F22, F35 અને રશિયાના પાંચમી પેઢીના Su 57માં તે નથી.’ વિમાનના નિયંત્રણમાં સુધારો લાવવા માટે મુખ્ય વિંગની આગળ કનાર્ડ્સ લગાવવામાં આવે છે.
ધનોઆએ જણાવ્યું કે, ‘જે-20 એટલા શક્તિશાળી છે કે તેમને પાંચમી પેઢીના કહી શકાય તે હું નથી માનતો કારણ કે કનાર્ડ રડાર સિગ્નેચર વધારી દે છે.લોન્ગ રેન્જના મીટીઅર મિસાઈલ્સને પોઝિશન બતાવી દે છે જે રાફેલમાં લાગેલા છે.’
પૂર્વ વાયુસેના પ્રમુખે ચીનને બીજો સવાલ કર્યો હતો કે જો જે-20નું ઉત્પાદક ચેંગદૂ એરોસ્પેસ કોર્પોરેશન તેને 5મી પેઢીનું ફાઈટર જેટ ગણાવે છે તો તેમાં સુપરક્રૂઝની ક્ષમતા શા માટે નથી? સુપરક્રૂઝ એવી ક્ષમતા છે જેના વડે ફાઈટર જેટ આફ્ટરબર્ન્સનો ઉપયોગ કર્યા વગર M 1.0 (અવાજની ગતિ)થી વધુ ઝડપે ઉડી શકે છે.
ધનોઆએ જણાવ્યું કે,રાફેલમાં સુપરક્રૂઝની ક્ષમતા છે અને રડાર સિગ્નેચરની તુલના વિશ્વના સૌથી સારા ફાઈટર જેટ્સ સાથે કરી શકાય છે.ધનોઆ Sukhoi 30 MKI સાથે ભારતના તમામ સારા ફાઈટર પ્લેન ઉડાવી ચુક્યા છે.બાલાકોટ એરસ્ટ્રાઈકની જવાબદારી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે ધનોઆએ જ સંભાળી હતી.
વાયુસેનાની ટોપ પોસ્ટ પરથી નિવૃત્ત થઈ ચુકેલા ધનોઆએ આ સપ્તાહ દરમિયાન ચાઈનીઝ પ્રોપેગેન્ડાની પોલ ખોલી હતી અને જો આ ચાઈનીઝ હથિયાર હકીકતમાં સારા હોત તો 27 ફેબ્રુઆરી 2019ના રોજ રાજૌરીમાં નાંગી તેકરી પુલ પર હુમલા માટે ચીને અમેરિકાના F-16ની જગ્યાએ ચાઈનીઝ JF-17ને પસંદ કર્યા હોત તેવો કટાક્ષ કર્યો હતો. પરંતુ ચીને JF-17નો ઉપયોગ ફક્ત મિરાજ 3/5ને એર ડિફેન્સ કવર આપવા માટે જ કર્યો હતો.