- એઆઈ જજ ભૂલ કરે તો જવાબદાર કોણ ?,તે પોતે કે તેને બનાવનારા સોફ્ટવેર એન્જિનિયર ? : ચીની ન્યાયાધિશ
બૈજિંગ : સુપર કમ્પ્યુટરથી લઈને રોબોટ સુધી બનાવી રહેલા ચીને વિશ્વનો સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત જજ બનાવ્યો છે.વિશ્વમાં આ પ્રકારનો પ્રથમ જજ છે.આ જજ કોર્ટમાં બંને વકીલોની દલીલો સાંભળ્યા પછી 97 ટકા ચુકાદા સાચા આપે છે.આ જજને શાંઘાઈ પુડોંગ પીપલ્સ પ્રોક્યુરેટોએ કર્યુ છે.સત્તાવાળાઓએ જણાવ્યું કે આ ટેકનોલોજીની મદદથી જજો પરનો બોજ ઘટાડી શકાશે.
સત્તાવાળાઓનો દાવો છે કે કેટલાક મામલામાં આ એઆઇ સજ્જ જજ નિર્ણય નિર્માણ પ્રક્રિયા દરમિયાન કેટલાક જજની જગ્યા લઈ શકે છે.આ એઆઇ જજ પોતાના સિસ્ટમમાં ઉપલબ્ધ અબજો આંકડાનું વિશ્લેષણ કરે છે.તેની બનાવટ વિશ્વભરના હજારો કેસોને ધ્યાનમાં રાખીને કરાઈ છે.આ કેસો 2015થી 2020ની વચ્ચેના છે.
આ જજ હાલમાં ખતરનાક ડ્રાઇવરો,ક્રેડિટ કાર્ડ છેતરપિંડી અને ચોરીના કેસોનો ચુકાદો આપવાની ક્ષમતા ધરાવે છે.આ એઆઇ જજ ભલે બનાવાયો હોય,પરંતુ ચીનના લોકોને તે પસંદ પડયો નથી.
એક જજે જણાવ્યું હતું કે તેની ચોકસાઈ 97 ટકા ભલે હોય,પરંતુ ભૂલની સંભાવના હંમેશા રહેશે.હવે ભૂલ થઈ તો તેની જવાબદારી કોણ લેશે,એઆઇ જજ પોતે,મશીન કે અલ્ગોરિધમ બનાવનાર ડિઝાઇનર.
તેણે જણાવ્યું હતું કે એઆઇની મદદથી ભૂલને પકડી શકાય છે,પરંતુ તે નિર્ણય લેવામાં માણસોની જગ્યા લઈ શકે તેમ નથી.એઆઇ ક્ષેત્રમાં ચીને આ સિદ્ધિ તેવા સમયે મેળવી છે જ્યારે બ્રિટનની જાસૂસી સંસ્થાએ ચેતવણી આપી છે કે આપણા દુશ્મન એઆઇ,ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સિન્થેટિક બાયોલોજીમાં નિપુણતા મેળવવાનો ઇરાદો ધરાવે છે.તેઓ તેમા પાણીની જેમ રૂપિયા ખર્ચી રહ્યા છે.તેઓ આવું એટલા માટે કરી રહ્યા છે કેમકે તે જાણે છે કે આ ટેકનોલોજી જ તેમને સરસાઈ અપાવશે.