– ભારતનું ડોમેસ્ટિક માર્કેટ સૌથી ખાસ પરિબળ
– ભારતે હાલમાં જ કોર્પોરેટ ટેક્સમાં રાહત આપી છે, જે નવી કંપનીઓ માટે લાભદાયી
– મલ્ટીનેશનલ કંપનીઓની ભારતમાં પહેલેથી જ હાજરી
– ભારતે 9 રાજ્યોમાં ફેલાયેલા 10 મેગા ક્લસ્ટર્સની યાદી બનાવી
નવી દિલ્હી : વિશ્વમાં લાખો લોકોનો ભોગ લેનારી કોરોના મહામારીના ઉદભવ અને ફેલાવા માટે દુનિયાભરના દેશો મહદઅંશે ચીનને જવાબદાર ગણે છે, જેની અસર હેઠળ વર્ષોથી સ્થિત મલ્ટીનેશનલ કંપનીઓ ચીનને છોડવાની તૈયારીઓ કરી રહી છે અને ફરીથી સ્થાપિત થવા એશિયામાં નવા વિકલ્પની શોધ કરી રહી છે,એવામાં સૌથી શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ભારત માટે આ સોનેરી તક હોવાનું માનવામાં આવે છે.
ભારત,ચીન છોડી રહેલી મલ્ટીનેશનલ કંપનીઓને આકર્ષવા માટે ક્લસ્ટર પ્લાન તૈયાર કરી રહ્યુ છે.ભારતે 9 રાજ્યોમાં ફેલાયેલા 10 મેગા ક્લસ્ટર્સની યાદી બનાવી લીધી છે જે અલગ-અલગ સેક્ટર્સ સાથે સંકળાયેલ છે અને સંબધિત મલ્ટીનેશનલ કંપનીઓ માટે યોગ્ય વિકલ્પ પણ બની રહેશે.જેમ કે,નોઇડા-ગ્રેટર નોઇડા ક્લસ્ટર ઇલેક્ટ્રોનિક હબ છે,હૈદરાબાદ ક્લસ્ટર ફાર્મા અને વેક્સીનની નિકાસ માટે દેશનુ સૌથી મોટુ હબ છે.અહીં દુનિયાની આશરે ત્રીજા ભાગની વેક્સીન તૈયાર થાય છે.આ પ્રકારના હબ્સ ચીન છોડવા વિચારી રહેલી મલ્ટીનેશનલ કંપનીઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે.
અમદાવાદ,વડોદરા(ભરુચ-અંકલેશ્વર ક્લસ્ટર),મુંબઇ-ઔરંગાબાદ,પૂણે,બેંગલુરુ,હૈદરાબાદ,ચૈન્નાઇ અને તિરુપતિ-નેલ્લોર ક્લસ્ટર પણ મલ્ટીનેશલ રોકાણકારો માટે આકર્ષિત ક્લસ્ટર સાબિત થાય એમ છે.આ 10 મેગા ક્લસ્ટર્સમાં આશરે 100 લોકપ્રિય ઇન્ડસ્ટ્રિયલ પાર્ક છે,જેમાં 600થી વધારે ભારતીય અને વિદેશી મલ્ટીનેશનલ કંપનીઓ કામ કરી રહી છે.
કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રી ચીન છોડી રહેલી મલ્ટીનેશનલ કંપનીઓ માટે ક્લસ્ટર પ્લાન તૈયાર કરી રહ્યુ છે.જોકે ભારતના પક્ષમાં કેટલીક બાબતો છે જે આ કંપનીઓને ભારતને વિકલ્પ તરીકે પંસદ કરવામાં આકર્ષિત કરી શકે એમ છે જેમાં ભારતે હાલમાં જ કોર્પોરેટ ટેક્સમાં કાપ મૂક્યો છે,જે નવી કંપનીઓ માટે લાભદાયી છે.ભારતમાં અનેક મલ્ટીનેશનલ કંપનીઓ પહેલેથી કાર્યરત છે અને સૌથી ખાસ ભારતનુ ડોમેસ્ટિક માર્કેટ વિશાળ છે જે કોઇપણ મલ્ટીનેશનલ કંપની માટે સ્થાપિત થવામાં સૌથી મહત્વનુ પરિબળ છે.