By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચીન વિરૂઘ્ધ રમાયેલો અમેરિકાનો તિબેટિયન દાવ!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ચીન વિરૂઘ્ધ રમાયેલો અમેરિકાનો તિબેટિયન દાવ!
GeneralInternationalNational

ચીન વિરૂઘ્ધ રમાયેલો અમેરિકાનો તિબેટિયન દાવ!

HM News
Last updated: 16/06/2020 11:34 AM
HM News
5 years ago
Share
SHARE

ચીનની દક્ષિણ-પશ્ચીમે આવેલા શાંતિપ્રિય અને ધાર્મિક તિબેટને હેરાન કરવામાં ડ્રેગને કંઈ બાકી નથી રાખ્યું. ઇ.સ. 1949માં ચીનની આર્મીએ તિબેટને કબજામાં લેવાનું શરૂ કર્યુ હતું, જે દસ વર્ષ પછી એટલે કે 1959ની સાલમાં પૂરું થયું. એ સમયથી જ તિબેટિયનોની ફરિયાદ છે કે ચીનની સરકાર દ્વારા અનેક વખત માનવાધિકારનું ખંડન કરતી પ્રવૃત્તિઓ કરવામાં આવી છે! 1960થી 1970 સુધીનો સમયગાળો તિબેટ માટે દુષ્કર પૂરવાર થયો. 6000 મઠ અને પૌરાણિક દેવસ્થાનોનો ચીને સફાયો કરી નાંખ્યો. જોકે, ચીની સરકાર હજુ પણ પોતાની ભૂલને ‘કલ્ચરલ રિવોલ્યુશન’ના નેજા હેઠળ છાવરવાની કોશિશ કરે છે! એ દસ વર્ષો દરમિયાન તિબેટનાં રહેવાસીઓએ નર્કથી પણ વધુ બદતર યાતનાઓ ભોગવી. ઇતિહાસમાં સૌથી ખૂની પ્રકરણ જો કોઇ લખાશે તો એ તિબેટનું હશે!

આલેખન – પરખ ભટ્ટ : અમુક દેશોને બાદ કરીએ તો, કોરોના ફેલાવવા બદલ દુનિયાના મોટાભાગના દેશો ચીનને નફરતભરી દ્રષ્ટિથી જોઈ રહ્યા છે. અમેરિકાએ તો ખુલ્લો વિરોધ કરવાની શરૂઆત પણ કરી દીધી છે. ચીને પોતાના નાગરિકોને ત્યાંથી પાછા બોલાવવા પડે એવી સ્થિતિ આવીને ઉભી રહી ગઈ છે. ‘હ્યુવેઇ’ નામની ખ્યાતનામ કંપનીનું પણ અમેરિકામાંથી લગભગ નામું નંખાઈ ગયું છે. આમ છતાં અમેરિકા હજુ પગ વાળીને બેસે એટલું સોજું નથી. એમની ચૂંટણી નજીક આવી રહી છે.

ટ્રમ્પ માટે આ વખતે પુષ્કળ અવરોધો મોઢું ફાડીને બેઠા છે. કોરોના દરમિયાન ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની નિરાશાજનક કામગીરી અને ત્યારબાદ જ્યોર્જ ફ્લોઇડની હત્યાના મુદ્દે અમેરિકામાં ફાટી નીકળેલા રમખાણો એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. આથી હવે પોતાની છબી સુધારવા માટેના મરણિયા પ્રયાસો એમના દ્વારા કરવામાં આવશે એ સો ટચના સોના જેવી વાત છે! ડૂબતા માટે તણખલું પણ કાફી, એ કહેવતને ટ્રમ્પ ગંભીરતાપૂર્વક અનુસરી રહ્યા છે.

અમેરિકનોને નોકરી અપાવવા માટે એચવન-બી વિઝા રદ્દ કરવા સુધીની તૈયારી આદરી દેવામાં આવી છે. બીજી બાજુ, વૈશ્વીક સ્તર પર ચીન પર ઘેરો ઘાલવાના પ્રયત્નો પણ એમણે ચાલુ કરી દીધા છે. હોંગકોંગમાં ચાલી રહેલા વિરોધની વાત હોય કે પછી તિબેટમાં પંચેન લામાને ગાયબ કરી દેવા મુદ્દે ચાલી રહેલાં રાજકારણની, અમેરિકા સતત એવી કોશિશ કરી રહ્યું છે કે ચીન સાવ એકલું પડી જાય. તેની આર્થિક કમર ભાંગવા માટે અમેરિકન સરકાર કોઈ કસર નથી છોડી રહી.

ચીન સાવ આરામથી જોયા રાખે એવો ડાહ્યો દેશ તો નથી જ! એમણે પણ ભારતને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે અગર અમેરિકાનો સાથ આપ્યો છે તો ખરાખરીનો ખેલ થશે! ભારત પહેલાંની માફક નિરપેક્ષ દેશ બનીને રહે એવું જ ચીન ઇચ્છે છે. જે હવે શક્ય નથી. મોદી સરકાર પણ લડી લેવાની ફિરાકમાં છે. લદ્દાખની સીમા પર જે પ્રકારે ચીની સેનાનો ત્રાસ જોવા મળી રહ્યો છે, એ જોઈને હવે આપણી આર્મી પણ કોઈ અન્યાય સાંખી લેવા તૈયાર નથી.

એવામાં અમેરિકન રિપ્રેઝન્ટેટિવ સ્કોટ પેરીએ તિબેટને સ્વતંત્ર દેશ ઘોષિત કરતું બિલ પાસ કરવાની અરજી કરી છે, જેના પર ટ્રમ્પના હસ્તાક્ષર થવા જરૂરી છે. આ લખાય છે ત્યાં સુધી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાંથી કોઈ લેટેસ્ટ અપડેટ નથી આવી. પરંતુ અત્યારનો માહોલ જોતાં એવું લાગે છે કે બહુ જ જલ્દી સારા સમાચાર સાંભળવા મળશે.

1959ની સાલથી ચીને તિબેટના નાકમાં દમ કરી રાખ્યો છે. હિંદુ, બૌદ્ધ ધર્મના સમન્વય સમા તિબેટના લોકો અતિશય શાંતિપ્રિય અને ભલા છે, જેના પર આધિપત્ય જમાવવામાં અને તેમનો ફાયદો ઉઠાવવામાં ચીને કોઈ કસર નથી છોડી. 34.4 ટકા તિબેટિયનવાસીઓ ગરીબીરેખાની નીચે જીવી રહ્યા છે. છતાં ચીન વિશ્વ સામે એવું જ દેખાડવા માંગે છે કે તિબેટમાં ચીની સરકાર આવ્યા પછી પ્રગતિ જોવા મળી છે. વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ ચીજ બયાન કરી રહી છે.

1950ની સાલમાં ફક્ત 15 વર્ષની વયે, હાલનાં દલાઇ લામા(ચૌદમા)ને તિબેટનાં સર્વેસર્વા જાહેર કરવામાં આવ્યા. ત્યારસુધીમાં ચીનની દાનત બગડી ચૂકી હતી. 1950માં એમણે તિબેટિયન નેતાઓ પાસે ‘સેવન્ટીન પોઇન્ટ અગ્રીમેન્ટ’ પર હસ્તાક્ષર કરવા માટે જબરદસ્તી કરવાનું શરૂ કર્યુ. કરાર મુજબ, તિબેટની રાજધાની લ્હાસામાં ચીનનાં મિલિટરી અને સિવિલ હેડક્વાર્ટર બનાવવાની વાત કહેવામાં આવી હતી.

અલબત્ત, આજની તારીખે પણ દલાઇ લામા અને તિબેટિયનવાસીઓએ એ કરારને માન્યતા નથી આપી, કારણકે તેઓ માને છે કે ચીને તિબેટિયન સરકાર પર દબાણ ઉભું કરીને એમાં હસ્તાક્ષર લેવડાવ્યા હતાં! 1951થી ચીન તિબેટને પોતાના તાબા હેઠળ લેવાના પ્રયાસોમાં મચી પડ્યું હતું. તિબેટમાં ખૂનામરકી શરૂ થઈ ચૂકી હતી. હજારો-લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા હતાં.

છેવટે, 1959ની સાલમાં 14મા દલાઇ લામા ચીની લોકોના ત્રાસથી કંટાળીને પોતાના નેતાઓની ટીમ સાથે ભારત આવી ગયા. એમની સાથે 80,000 તિબેટિયન નાગરિકો પણ જોડાયા. અહીંની તત્કાલીન સરકારે એમને આશરો આપ્યો. (આજની તારીખે દોઢ લાખથી પણ વધુ તિબેટિયન રેફ્યુજી ભારતમાં વસવાટ ધરાવે છે.)

આમ છતાં શાંતિદૂત તરીકેનું નોબેલ પ્રાઇઝ મેળવી ચૂકેલા દલાઇ લામાએ ચીન સાથે વાતચીત કરવાની તૈયારી બતાવી. એમણે કહ્યું કે ચર્ચાથી અગર આ સમસ્યાનો ઉકેલ લાવી શકાતો હોય તો વેરભાવ રાખવાની શું જરૂર છે? પણ એમ કંઈ ઝટ માની જાય તો એ ચીન શેનું? 1994-95ની સાલમાં ચીને ફરી એક એવી હરકત કરી, જેના લીધે દલાઇ લામા અને ચીનની સરકાર વચ્ચે ખટરાગ પેસી ગયો.

એ ઘટનાની વાત કરતાં પહેલાં એની પૂર્વભૂમિકા બાંધવી આવશ્યક છે. તિબેટિયન બુદ્ધિઝમમાં દલાઇ લામા પછીની સૌથી પવિત્ર વ્યક્તિમાં ‘પંચેન લામા’નો સમાવેશ થાય છે. જેનો અર્થ એમ કે, જ્યારે કોઇ નવા દલાઇ લામાની પસંદગી કરવાનો વખત આવે ત્યારે એ માટેનો સૌથી પહેલો હક પંચેન લામાને આપવામાં આવે.

અંતમાં, પંચેન લામા જેના પર પસંદગીનો કળશ ઢોળે એ વ્યક્તિ નવા દલાઇ લામા બને! એવી જ રીતે, વાઇસે વર્સા. પંચેન લામાની પસંદગી વૃદ્ધ થઈ ચૂકેલા દલાઇ લામા જ કરે! આ પરંપરા છેલ્લા 200 વર્ષોથી તિબેટિયનો અનુસરી રહ્યા છે. હવે બન્યું એવું કે, દલાઇ લામાએ છ વર્ષનાં તિબેટિયન બાળક ‘ગેધુન ચોક્યિન્યિમા’ની વરણી 11મા પંચેન લામા તરીકે કરી. ચીન અહીંયા પણ રમત રમી ગયું.

11મા પંચેન લામાની જાહેરાત થયાનાં ફક્ત ત્રણ દિવસ બાદ ચીનની સરકારે એ બાળકને ગાયબ કરી એના ઘેર બિલ્કુલ એટલી જ ઉંમરના બાળક ‘ગ્યેનકેઇન નોર્બુ’ને બેસાડી દીધો. વૈશ્વીક સ્તર પર આ ખબર ફેલાતાંની સાથે જ યુનાઇટેડ નેશન્સ, દલાઇ લામા અને અલગ અલગ સરકારોએ ચીન પર ફિટકાર વરસાવ્યો.

આમ છતાં ચીનની બુદ્ધિ ઠેકાણે ન આવી. 1995થી ગાયબ થઈ ચૂકેલો ઓરિજિનલ પંચેન લામા (એટલે કે છ વર્ષનું બાળક) આજસુધી કોઇના ધ્યાનમાં નથી આવ્યું. ચીનની સરકારે એની સાથે શું કર્યુ એ તો રામ જાણે! પણ તેઓ મીડિયાને એવું કહેતાં ફરે છે કે બાળક સુરક્ષિત છે અને પોતાની જિંદગી જીવી રહ્યું છે!

આવું હિચકારી પગલું ભરીને ચીને પોતાના ભવિષ્યના પ્લાન જાહેર કરી દીધા હતાં. એ સમયથી જ તેમણે વિચારી લીધું હતું કે અગર પંચેન લામા આપણા હાથની કઠપૂતળી હોય તો દલાઇ લામાને પણ બનાવી શકાશે. એમણે દૂરંદેશી વાપરીને નવા 11મા પંચેન લામા તરીકે પોતાનું બાળક બેસાડી દીધું, જેથી ભવિષ્યમાં અગર 15મા દલાઇ લામાની પસંદગીનો વખત આવે તો પોતાના પાસા પોબારા પડે! અને હાલ, એ વખત આવીને ઉભો રહી ગયો.

14મા દલાઇ લામાની ઉંમર 84 વર્ષની છે.ટૂંક સમયમાં નવા દલાઇ લામા પસંદ કરવાનો વખત આવશે ત્યારે ચીન પોતાની બાજી રમશે.બીજી બાજુ,દલાઇ લામા હવે એવી જાહેરાત કરી ચૂક્યા છે કે મારો પુનર્જન્મ કેવી રીતે થશે અને કોણ મારો વારસદાર બનશે એ પસંદ કરવાનો અધિકાર ફક્ત મારો છે.200 વર્ષોથી ચાલી રહેલી આ પરંપરામાં દખલગીરી કરવાનો ચીનની સરકારને કોઇ અધિકાર નથી.હું 90 વર્ષની ઉંમરે એટલે કે છ વર્ષ પછી મારો નિર્ણય જાહેર કરીશ.

આજે તિબેટમાં અભિવ્યક્તિની આઝાદી નથી. મંજૂરી વગર મીડિયાનાં લોકોનો ત્યાં પ્રવેશ બંધ છે. તિબેટિયનો મરવાના વાંકે જીવી રહ્યા છે. ભારતમાં સ્થાયી થયેલા તિબેટિયનો રાહ જુએ છે કે ક્યારે પોતાનો દેશ ચીનની ચુંગાલમાંથી આઝાદ થાય અને તેઓ ફરી ત્યાં કદમ મૂકી શકે! ભારતે દલાઇ લામાને હંમેશા સાથ આપ્યો છે.

તેઓ જ્યારે ભારત આવ્યા હતાં ત્યારે (1960માં) આપણી સરકારે કર્ણાટકનાં મૈસુરમાં તિબેટિયનવાસીઓ માટે 3000 એકરની જમીન ફાળવી હતી. એ પછી પણ હજારો એકર જમીન આટલા વર્ષો દરમિયાન ફાળવાઈ છે. તિબેટિયન બાળકો માટે ખાસ સ્કૂલ બનાવવામાં આવી, જેમાં મફત શિક્ષણ, હેલ્થ-કેર અને સ્કોલરશીપ મળી શકે. મેડિકલ અને સિવિલ એન્જીનિયરીંગ કોલેજોની અમુક સીટ્સ તિબેટિયન બાળકો માટે અનામત રાખવામાં આવે છે.

તિબેટની આટલી મદદ કરવા માટે ભારતને પુષ્કળ સરાહના પ્રાપ્ત થઈ છે. જેના કારણે ચીનને ભારે બળતરા થઈ રહી છે. આપણી સરકારે દલાઇ લામાને એમના ધર્મનો પ્રચાર-પ્રસાર કરવાની મંજૂરી આપીને એમને ઇન્ટરનેશનલ ગુરૂ બનાવી દીધા છે આ હકીકત ચીન સહન કરી શકતું.તેમને બીક છે કે,ક્યાંક ભારત અગર 15મા દલાઇ લામાની પસંદગી મુદ્દે વચ્ચે આવ્યું તો આખો ખેલ બગડી જશે.

રેવન્યુ વિભાના કયા નવ ક્લાસ વન અધિકારીની બદલીના ગુજરાત સરકારે આદેશ કર્યાં? જાણો કયા અધિકારીને ક્યાં કરાઈ બદલી
હાઇકોર્ટે પીઆઇએલ ફગાવી દેવાનું વલણ દાખવતાં મોબ લીચીંગ સહિતના મુદ્દે થયેલી જાહેરહિતની અરજી પરત ખેંચાઇ
મિશન 2024 ! ભાજપે રાજસ્થાન સહિત ચાર રાજ્યોના પ્રમુખ બદલ્યા, જાણો કોને મળી જવાબદારી ?
પોલીસને ચકમો આપી હવે ગુજરાતના 10 હજાર ખેડૂતો દિલ્હી ખેડૂત આંદોલન તરફ કૂચ કરશે
HDFC બેન્કને CEBIએ ફટકાર્યો 1 કરોડ રૂપિયાનો જંગી દંડ
Share This Article
Facebook Email Print
Previous Article 18 જૂનથી 1 મહિનો લોકડાઉન : સરકારે અફવા ફગાવી દીધી
Next Article મોદીની મુખ્યપ્રધાનો સાથે બેઠક: અમદાવાદ સહિત 65 જિલ્લામાં 5%થી વધુ મૃત્યુદરની ચર્ચા થશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up