– કોલેજીયમે કેન્દ્ર સરકારને ભલામણ મોકલી
– મંજૂરી મળી તો જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી સુપ્રીમમાં પદોન્નત થનારા પ્રથમ ગુજરાતી મહિલા જજ હશે
અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીને સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરવા માટે સુપ્રીમ કોર્ટ કોલેજીયમે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે, જેને થોડાં દિવસોમાં રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે.આ ભલામણ પ્રમાણે નિયુક્તિ થઇ તો જસ્ટિસ બેલાબહેન એમ. ત્રિવેદી સુપ્રીમમાં પદોન્નત થનારા પ્રથમ ગુજરાતી મહિલા જજ હશે.
સુપ્રીમ કોર્ટના કોલેજીયમે વિવિધ હાઇકોર્ટના આઠ ન્યાયમૂર્તિ અન એક સીનિયર એડવોકેટને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિયુક્તિ આપવા ભલામણ કરી છે.આ નવ નામો પૈકી ગુજરાતના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીનો પણ સમાવેશ થાય છે.ચીફ જસ્ટિસ વિક્રમ નાથ મૂળભૂત રીતે અલાહાબાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ છે અને સપ્ટેમ્બર-૨૦૧૯થી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત છે.જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી ફેબુ્રઆરી-૨૦૧૧થી ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત છે.જૂન-૨૦૧૧માં રાજસ્થાન હાઇકોર્ટની જોધપુર બેન્ચમાં તેમની બદલી કરવામાં આવી હતી અને ત્યારબાદ ફેબુ્રઆરી-૨૦૧૬માં તેમણે ફરી ગુજરાત હાઇકોર્ટમાં કાર્યભાર સંભાળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પહેલીવાર એવું બન્યું છે કે સુપ્રીમ કોર્ટ કોલેજીયમે એકસાથે ત્રણ મહિલા જજોની ભલામણ સુપ્રીમ કોર્ટના જજ તરીકે કરી છે, જેમાં તેલંગણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ હિમા કોહલી,કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ બી.વી. નાગરત્ના અને ગુજરાતના હાઇકોર્ટના જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીનો સમાવેશ થાય છે.આ ઉપરાંત જસ્ટિસ બી.વી. નાગરત્નાના નામને મંજૂરી મળી તો ૨૦૨૭માં તેઓ ભારતના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બને તેવી શક્યતા છે.ભલામણ કરાયેલા આ નામોને રાષ્ટ્રપતિ આગામી દિવસોમાં મંજૂરી આપે તેવી શક્યતા છે.
સુપ્રીમ કોર્ટ કોલેજીયમ દ્વારા ભલામણ કરાયેલા નામ
– ચીફ જસ્ટિસ એ.એસ. ઓકા, કર્ણાટક હાઇકોર્ટ
– ચીફ જસ્ટિસ વિક્રમ નાથ, ગુજરાત હાઇકોર્ટ
– ચીફ જસ્ટિસ જે.કે. માહેશ્વરી, સિક્કીમ હાઇકોર્ટ
– ચીફ જસ્ટિસ હિમા કોહલી, તેલંગણા હાઇકોર્ટ
– જસ્ટિસ બી.વી. નાગરત્ના, કર્ણાટક હાઇકોર્ટ
– જસ્ટિસ સી.ટી. રવિકુમાર, કેરળ હાઇકોર્ટ
– જસ્ટિસ એમ.એમ. સુંદરેશ, મદ્રાસ હાઇકોર્ટ
– જસ્ટિસ બેલાબહેન એમ. ત્રિવેદી, ગુજરાત હાઇકોર્ટ
– પી.એસ. નરસિમ્હા, સીનિયર એડવોકેટ


