– છત્રપતિ સંભાજીનગરમાં મહાવિકાસ આઘાડીની જાહેર સભામાં ઉદ્ધવ ઠાકરેએ કર્યો હુંકાર
મુંબઈ, તા. 4 એપ્રિલ 2023, મંગળવાર : મહાવિકાસ આઘાડીના એનસીપી,કૉન્ગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા ગઈ કાલે છત્રપતિ સંભાજીનગરમાં વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ જાહેર સભામાં બંધારણ અને ભારતને બચાવવા માટે લોકોને બીજેપી વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી.ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે બીજેપીમાં હિંમત હોય તો તે મહારાષ્ટ્રમાં ચૂંટણીના મેદાનમાં નરેન્દ્ર મોદીને ઉતારે,હું બાળાસાહેબના નામે તેમનો સામનો કરીશ.મને વિશ્વાસ છે કે જનતા દેશ અને બંધારણને તોડી રહેલી બીજેપીને ચૂંટણીમાં બોધપાઠ શીખવાડશે.
ઉદ્ધવ ઠાકરેએ તેમના ભાષણમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહને આડે હાથ લીધા હતા અને કહ્યું હતું કે બીજેપી લોકશાહીને તોડીને સત્તા મેળવવા માટે વિરોધીઓને ખતમ કરી રહી છે.રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ કે બીજા કોઈ સવાલ પૂછે છે ત્યારે જવાબ આપવાને બદલે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે.દેશની જનતા આ જોઈ રહી છે અને બીજેપીને મહારાષ્ટ્ર જ નહીં દેશભરમાં પછડાટ આપશે.
વજ્રમુઠ નહીં,વજ્રઝૂઠ સભા
મહાવિકાસ આઘાડીમાં સામેલ એનસીપી,કૉન્ગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે જૂથની ગઈ કાલે છત્રપતિ સંભાજીનગરમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેને વજ્રમુઠ એટલે કે સારા કામ માટે એકત્રિત આવેલા લોકો નામ આપવામાં આવ્યું હતું.આ સભા સાંજના હતી.એ પહેલાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ થાણેમાં પત્રકારોને સંબોધ્યા હતા.એમાં તેમણે કહ્યું હતું કે ‘મહાવિકાસ આઘાડીની આ વજ્રમુઠ નહીં, વજ્રઝૂઠ સભા છે.સત્તા માટે ખોટા લોકો સાથે આવ્યા છે.તીન તિગાડા,કામ બિગાડા એવી સ્થિતિ છે. અમે વિચારો માટે સાથે આવ્યા છીએ.સત્તા માટે તેમણે વિચારને બાજુમાં મૂક્યો છે.મહાવિકાસ આઘાડી પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય?
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ સમયે કહ્યું હતું કે હું વિધાનસભ્યો, સંસદસભ્યો અને કેટલાક કાર્યકરો સાથે ૯ એપ્રિલે અયોધ્યાની મુલાકાતે જઈશ.પ્રભુ રામચંદ્ર આપણી અસ્મિતાનો વિષય છે એટલે અમે અયોધ્યા જઈશું.સરયુ નદીમાં આરતી કરીશું. બાળાસાહેબ અને રામભક્તોનું અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનાવવાનું સપનું હતું,જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂરું કર્યું છે.બંધાઈ રહેલા રામમંદિરમાં મહારાષ્ટ્રનો પણ સહયોગ રહે એ માટે ચંદ્રપુરથી સાગનાં લાકડાં મોકલવામાં આવ્યા છે.
વીર સાવરકરના નામે હિન્દુત્વનું અપમાન થઈ રહ્યું છે એનાથી જનતામાં ભારે આક્રોશ : એકનાથ શિંદે
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી હિન્દુત્વવાદી વીર સાવરકરનું સતત અપમાન કરી રહ્યા છે એના વિરોધમાં ગઈ કાલે રાજ્યભરમાં સાવરકર ગૌરવ યાત્રાનું બીજેપી અને એકનાથ શિંદે જૂથ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. થાણેમાં આવી યાત્રાની આગેવાની કરતી વખતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે પ્રખર હિન્દુત્વવાદી સ્વતંત્રતાસેનાની વીર સાવરકરના નામે હિન્દુત્વનું સતત અપમાન કરાઈ રહ્યું છે એની સામે જનતામાં ભારે આક્રોશ છે.વીર સાવરકર આંદામાનની જે જેલમાં રહ્યા હતા એમાં એક દિવસ પણ કોઈ રહી ન શકે.તેમની વીરતાને કોઈ પડકારી ન શકે.મુંબઈ સહિત રાજ્યભરના અનેક વિસ્તારોમાં આવી યાત્રા કાઢવામાં આવી હતી,જેમાં બીજેપી અને એકનાથ શિંદે જૂથના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.