ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાની ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઈ ગયું છે.બીજી તરફ ગઈકાલે ચૂંટણીમાં ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો.જેના બાદ મોડી સાંજે ફાઈનલ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે.ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં ચૂંટણી લડવા 2299 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં અમદાવાદમાં 771, વડોદરામાં 287,સુરતમાં 484,જામનગરમાં 236, રાજકોટમાં 310 અને ભાવનગરમાં 211 ઉમેદવારો મેદાનમાં છે.ત્યારે હવે ગુજરાતમાં મનપાની ચૂંટણી માટે પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
ગુજરાતમાં મનપાની ચૂંટણી માટે પ્રચારનો ધમધમાટ શરૂ
ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચારમાં જોર લગાવ્યું છે. 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે.અમદાવાદ મહાનગરપાલિકા માટે ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થયું છે. 48 વોર્ડની 192 બેઠકો માટે કુલ 771 ઉમેદવારો મેદાનમાં છે.જેમાં ભાજપનો 1 ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયો છે.મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 191 ઉમેદવારો અને કોંગ્રેસના 188 ઉમેદવાર મેદાનમાં છે.તો બહુજન સમાજ પાર્ટીના 54 અને આમ આદમી પાર્ટીના 155 ઉમેદવારો મેદાનમાં છે.તેમજ અપક્ષમાં 86 અને અન્ય પક્ષોના 56 ઉમેદવારો મેદાનમાં છે.
બહુપાંખિયો જંગ
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોના ઉમેદવારોએ કુલ મળીને 1704 ફોર્મ ભર્યા હતાં.શહેરના 48 વોર્ડમાં 192 બેઠકોની ચૂંટણી માટે 1252 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી તૈ પૈકી 907 ફોર્મ અમાન્ય ઠર્યા હતાં.આજે જયારે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી ત્યારે કુલ મળીને 23 ઉમેદવારોએ ચૂંટણી લડવાનુ ટાળ્યું હતુ.ઉમેદવારોને ભાજપ-કોંગ્રેસને સમર્થન આપી ચૂંટણી મેદાનેથી પીછેહટ કરી લીધી હતી.ઉમેદવારોને ફોર્મ પાછા ખેચાવવા ભાજપ-કોંગ્રેસે રાજકીય કાવાદાવા કર્યા હતાં. મળતી માહિતી મુજબ, અમદાવાદ મહાનગરપાલિકામાં હવે 771 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ટિકિટોની વહેંચણીમાં જાતિગત સમીકરણોના પાસાને ધ્યાનમાં લીધુ હતુ.પાટીલના શાસનમાં ભાજપમાં પાટીદારોનુ પ્રભુત્વ બરકરાર રહ્યુ છે કેમકે, અમદાવાદ શહેરમાં ભાજપે સૌથી વધુ 46 પાટીદારોને ચૂંટણી મેદાને ઉતાર્યાં છે.ગત ચૂંટણી વખતે પાટીદાર આંદોલનને લીધે ભાજપને ઘણુ ભોગવવુ પડયુ હતું.જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં વિપરીત પરિણામ આવ્યા હતાં.પાટીદારો ભાજપથી મોં ફેરવીને બેઠાં હતાં પણ હવે પરિસ્થતિથી બદલાઈ છે.