ગુજરાતમાં મિશન 2022નો પ્રારંભ : પ્રદેશ કાર્યાલયમાં વડાપ્રધાને રાજ્ય કેબિનેટ,સંસદસભ્યો,ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારોને ચૂંટણીની શિખ આપી
ગાંધીનગર : ગુજરાતમાં ચૂંટણી હોય કે ના હોય,પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ પ્રજા સાથે જીવંત સંપર્ક બનાવી રાખવો જોઇએ તેવી શીખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી છે.ગુજરાત ભાજપના કાર્યાલય કમલમમાં 400થી વધુ પ્રદેશ નેતાઓને માર્ગદર્શન આપતાં તેમણે જણાવ્યું હતું કે સંગઠનના માધ્યમથી લોકોનો સંપર્ક કરી તેમની સેવા કરતા રહેવું જોઇએ.
રાજ્યમાં વર્ષની આખરમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે.પાંચ રાજ્યોની ચૂંટણી પછી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ કમલમમાં 430 જેટલા આમંત્રિત પ્રદેશ નેતાઓ સાથે ચર્ચા કરી હતી.તેમણે રાજ્યમાં મિશન 2022નો પ્રારંભ કર્યો છે.મોદીએ સરકારના મંત્રીઓ,પ્રદેશ પદાધિકારીઓ,ભાજપના સંસદસભ્યો અને ધારાસભ્યોને ચૂંટણી માટેનો વિજય મંત્ર આપ્યો હતો.
સંગઠનની આ બેઠકમાં મોદીએ કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિકાસની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ત્યારે તેમાં સંગઠનની મહત્વની ભૂમિકા હોય છે.સંગઠનના માધ્યમથી રાજ્યની જનતા અને લોકોની અસરકારકતાથી સેવા કરી રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપી શકાય છે.
મોદીએ પ્રદેશના નેતાઓ સાથેના વાર્તાલાપમાં એવું સૂચન કર્યું હતું કે માત્ર ચૂંટણીલક્ષી નહીં પરંતુ જનતાલક્ષી કાર્યક્રમોમાં પણ નેતાગીરીએ જોડાવું જોઇએ.મોદીએ ટિફીન બેઠકો માટે પણ આહવાહન કર્યું છે. તેમણે ભાજપના સમર્થકો સાથે સતત સંવાદ જાળવી રાખવા પણ કહ્યું છે.
ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય પછી એવી અટકળો વહેતી થઇ છે કે ગુજરાતમાં વહેલી ચૂંટણી આવશે પરંતુ આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ પ્રદેશના આગેવાનોને એવો કોઇ સંકેત આપ્યો નથી.આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટના સભ્યો,સંસદસભ્યો,ધારાસભ્યો,પ્રદેશના આગેવાનો અને પ્રમુખ આમંત્રિતો સાથે તેમણે મંત્રણા કરી હતી.
મોદી બપોરના એક કલાકે કોબા સ્થિત કાર્યાલય પર પહોંચ્યા હતા.અગાઉથી નિર્ધારિત બેઠકમાં તેમણે ભાગ લીધો હતો. વિધાનસભાની આવી રહેલી ચૂંટણીના સંદર્ભમાં તેમણે ગુજરાતના નેતાઓને માર્ગદર્શન આપ્યું હતું.
મોદી અડધો કલાક સુધી પ્રદેશ નેતાઓ સમક્ષ સંબોધન કરી રાજભવન જવા રવાના થયા હતા.રોડ-શો પતાવીને મોદી કમલમમાં પહોંચે તે પહેલાં ભાજપના પ્રદેશ નેતાઓએ કાર્યાલયમાં એન્ટ્રી લઇ લીધી હતી.એલઇડી લાઇટ્સ,સ્ટેજ લાઇટ સહિતની સુવિધાયુક્ત હોલમાં નેતાઓ બેઠાં હતા જેમને મોદીએ માર્ગદર્શન આપ્યું હતું.પ્રત્યેક નેતાઓને ટેબલેટ સાથે રાખવાની સૂચના આપવામાં આવી હતી.
મોદીના 12મી માર્ચના કાર્યક્રમો…
કમલમથી મોદી જ્યારે રાજભવન ગયા ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે રાજભવનના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.અમદાવાદમાં પંચાયતના મહાસંમેલનનો કાર્યક્રમ પૂર્ણ કરી મોદીએ રાત્રી રોકાણ રાજભવનમાં કર્યું હતું.તેઓ 12મી માર્ચે સવારે ગાંધીનગર થી દહેગામના રોડ-શો માં હાજરી આપશે,ત્યારબાદ તેઓ સવારે 11.00 કલાકે રક્ષા યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ તેમજ સાંજે 6.30 કલાકે જીએમડીસીમાં ખેલમહાકુંભના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
સુરક્ષા જવાનોએ મેયરને અટકાવ્યા…
વડાપ્રધાન બન્યા પછી મોદી ત્રીજી વખત કમલમમાં આવ્યા હતા અને આ વખતે દોઢથી બે કલાક સુધી રોકાયા હતા.ભાજપના કાર્યકરોને ડિજીટલ કિયોસ્કથી પ્રવેશ મળ્યો હતો.કમલમમાં મોદીની ઉપસ્થિતિમાં બેઠક શરૂ થવાની હતી ત્યારે અમદાવાદના મેયર કિરીટ પરમાર સૌથી છેલ્લે પહોંચતાં તેમને સલામતી રક્ષકો દ્વારા અટકાવવામાં આવ્યા હતા પરંતુ ભાજપના અન્ય નેતાઓએ ઓળખાણ આપતાં એસપીજીએ પ્રવેશ આપ્યો હતો.તેઓ 20 મિનીટ મોડા રહ્યાં હતા.


