ગાંધીનગર, તા. 10 મે 2022, મંગળવાર : સોમવારે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓએ જૂની પેન્શન સિસ્ટમ ફરીથી દાખલ કરવી, ફિક્સ પગાર પદ્ધતિ નાબૂદ કરવી અને સાતમા પગાર પંચની ભલામણો લાગુ કરવી સહિતની અનેક માગણીઓને લઈને એક દિવસીય ધરણા કર્યા હતા.ગુજરાત સ્ટેટ યુનાઇટેડ એમ્પ્લોઇઝ ફ્રન્ટ (GSUEF) ના બેનર હેઠળ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે લગભગ તમામ સરકારી વિભાગોના કર્મચારીઓએ વિરોધમાં ભાગ લીધો હતો.તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.
2005માં બંધ કરાયેલી જૂની પેન્શન સ્કીમને પુનઃસ્થાપિત કરવાની માગણી ઉપરાંત કર્મચારીઓએ કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને ફિક્સ પગાર પ્રણાલી દ્વારા નિમણૂકોને સમાપ્ત કરવાની માગણી કરી હતી.સરકારી કર્મચારીઓએ સંગઠન બાદ મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેઓ સરકારી કર્મચારીઓના કલ્યાણ માટે જવાબદાર છે અને તેમની સરકારે 7મા પગાર પંચની તમામ ભલામણો સ્વીકારવી જોઈએ.મળતી માહિતી પ્રમાણે GSUEFના સંયોજક સતીશ પટેલે કહ્યું કે, અમે અમારી માંગણીઓ રજૂ કરવા માટે મુખ્યમંત્રીને મળવા માટે સમય માંગીશું.જો અમને સરકાર તરફથી અનુકૂળ પ્રતિક્રિયા નહીં મળશે તો અમે અમારી આગામી કાર્યયોજનાની જાહેરાત કરીશું.પટેલ ગુજરાત પ્રાઈમરી સ્કૂલ ટીચર્સ એસોસિએશનના મહાસચિવ પણ છે.
તેમણે કહ્યું કે મહેસૂલ, આરોગ્ય, પંચાયત, મત્સ્યોદ્યોગ અને અન્ય વિભાગોના કર્મચારીઓએ દિવસભરના ધરણામાં ભાગ લીધો હતો.પટેલે દાવો કર્યો હતો કે, લગભગ એક લાખ કર્મચારીઓએ કામ પરથી રજા લીધી અને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.મળતી માહિતી પ્રમાણે આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓએ તેમની માંગણીઓને લઈને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હોય તે ઘણા મહિનામાં પ્રથમ વખત બન્યું છે.
કોંગ્રેસ છેલ્લા કેટલાક સમયથી જૂની પેન્શન યોજનાનો મુદ્દો જોરશોરથી ઉઠાવી રહી છે.એટલું જ નહીં કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત પણ કરવામાં આવી છે.આવી સ્થિતિમાં ભાજપ શાસિત રાજ્યો પર પણ તેને લઈને ખૂબ જ દબાણ છે.ઘણા રાજ્યોના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજનાને ફરીથી લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પણ ચૂંટણીના માહોલમાં આ મુદ્દો જોરશોરથી ઉઠાવી શકે છે.


