સુરત : નીચલી કોર્ટે તકરારી ચેકની 20 ટકા રકમ ફરિયાદીને 60 દિવસમાં કરેલા હુકમ સામે સેશન્સમાં અપીલ કરી હતી ચેક રીટર્ન કેસમાં નીચલી કોર્ટે ફરિયાદીને તકરારી ચેકની 20 ટકા રકમ ચુકવવા કરેલા હુકમની કાયદેસરતાને પડકારતી આરોપીની રીવીઝન અરજીને એડીશ્નલ સેશન્સ જજ પ્રણવ દવેએ નકારી કાઢી નીચલી કોર્ટનો વાદગ્રસ્ત હુકમ કાયદેસરનો ઠેરવી કાયમ રાખ્યો છે.
વરાછા લંબે હનુમાન રોડ સ્થિત કમલપાર્ક સોસાયટીમાં રહેતા ફરિયાદી હામાભાઈ જીવાભાઈ ભંમરે આરોપી મનસુખ કરશન કવાડ(રે.જવાહરનગર સોસાયટી,વરાછા)વિરુધ્ધ ચેક રીટર્ન અંગે ફરિયાદ કરી હતી.જે કેસમાં આરોપી પ્લી રેકર્ડ થતાં ગુનાની કબુલાત ન કરતાં ટ્રાયલ ચલાવવા માંગ કરી હતી.જેથી આ કેસમાં ચાર્જફ્રેમ થયા બાદ ફરિયાદી તરફે નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-143 હેઠળ અરજી કરી તકરારી ચેકની 20 ટકા રકમ વચગાળાના વળતર પેટે ચુકવવા માંગ કરી હતી.જે અરજી આરોપીના વકીલે રીસીવ કર્યા બાદ નીચલી કોર્ટે ત્યારબાદ કેસની મુદતે ફરિયાદીને તકરારી ચેકની 20 ટકા રકમ 60 દિવસમાં ચુકવવા હુકમ કર્યો હતો.
હુકમ સામે સેશન્સ કોર્ટમાં અરજી કરી બચાવપક્ષે જણાવ્યું હતું કે નીચલી કોર્ટનો ગેરકાયદેસર,એકતરફી અને આરોપીને ટ્રાયલ-બચાવમાં પુર્વગ્રહ થાય અને ન્યાયનો હેતુ નિષ્ફળ જાય તેવો હોઈ રદ કરવા માંગ કરી હતી.જેના વિરોધમાં મૂળ ફરિયાદી તરફે જણાવ્યું હતું કે હાલના અરજદારને બચાવની પુરતી તક મળી હોવા છતાં હાલમાં માત્ર કેસન ેલંબાવવા અને નાણાં નહીં ચુકવવા રીવીઝન અરજી કરી છે.જેને કોર્ટે રેકર્ડ પરના પુરાવાને લક્ષમાં લઈને માન્ય રાખી નીચલી કોર્ટનો વાદગ્રસ્ત કાયદેસરનો ઠેરવી કાયમ રાખી આરોપીની રિવીઝન અરજી નકારી કાઢી હતી.નીચલી કોર્ટે કલમ-143(એ)હેઠળ આરોપીને ગુનો કબૂલ ન હોવા તથા ચાર્જફ્રેમ થવા અંગેના બંને તત્વોનું પાલન થતું હોય ત્યારે આ પ્રકારે હુકમ કરી શકે છે.

