ગયા મહિને ચેન્નઈમાં શ્રવણકુમાર નામના એક રિક્ષા-ડ્રાઇવરનું ઈમાનદારી બદલ જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.એ રિક્ષા-ડ્રાઇવરે ૨૦ લાખ રૂપિયાનું ઝવેરાત ભરેલી બૅગ તેના માલિકને પાછી પહોંચાડી દીધી હતી.
પૉલ બ્રાઇટ નામના એક બિઝનેસમૅન તેમની દીકરીનાં લગ્નની દોડધામમાં વ્યસ્ત હતા. તેઓ ૨૦ લાખ રૂપિયાનું ઝવેરાત ભરેલી બૅગ લઈને રિક્ષામાં બેઠા અને ક્રૉમેપેટ વિસ્તારમાં લગ્નના સ્થળે ઊતર્યા ત્યારે એ બૅગ રિક્ષામાં જ રહી ગઈ હતી.થોડા વખત પછી શ્રવણકુમારને રિક્ષાની પાછલી સીટ પર બૅગ પડેલી દેખાઈ હતી.તેણે એ બૅગ પાછી આપવાનું વિચાર્યું, પરંતુ તેની પાસે પૉલનો ફોન-નંબર નહોતો અને તેમને શોધવાના કોઈ માર્ગ કે માધ્યમનો પણ ખ્યાલ નહોતો.એ સમયગાળામાં કન્યાને વિદાય આપવાની વેળા આવી. એ વખતે ઝવેરાતની બૅગ રિક્ષામાં ભૂલી ગયા હતા એવું પૉલને યાદ આવ્યું.તેમણે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે રિક્ષાનો રજિસ્ટ્રેશન નંબર જાણ્યો.
એ રિક્ષા શ્રવણની બહેનના નામે રજિસ્ટર્ડ હતી,પરંતુ પોલીસ શ્રવણને શોધી કાઢે એ પહેલાં શ્રવણ ક્રૉમેપેટ પોલીસ-સ્ટેશનમાં પહોંચી ગયો હતો.શ્રવણકુમારે બૅગ માલિકને પાછી સોંપી હતી. એ વખતે પૉલ બ્રાઇટસાહેબ ચોધાર આંસુએ રડી પડ્યા હતા.ત્યાર પછી શ્રવણકુમારનો સાર્વજનિક સત્કાર કરવામાં આવ્યો હતો.