– આર્થિક તણાવ તો પહેલેથી જ ઘર કરી ગયો છે
અમદાવાદ તા. ૮ : કોરોના વાયરસને ફેલાતા અટકાવવા માટે ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉનનો ત્રીજો ફેઝ ચાલી રહ્યો છે.છતાં પોઝિટિવ કેસ અને મોતના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.ગુજરાત સાયકોલોજિકલ ઈન્ટરવેશન હેલ્પલાઈન (GPIH)ના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, કોરોના વાયરસ લોકડાઉનના લીધે માત્ર આર્થિક તણાવ જ નહીં પરંતુ માનસિક બિમારીમાં પણ વધારો થયો છે.નિષ્ણાંતોની ટીમ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસમાં સામે આવ્યું કે લોકડાઉનમાં લોકો ઘરે રહીને કંટાળી ગયા છે જેના કારણે માનસિક બિમારીમાં લગભગ ૨૫ ટકાનો વધારો થયો છે.અભ્યાસ મુજબ કોરોના વાયરસ લોકડાઉનમાં પેનિક અટેકના કેસમાં સૌથી વધુ ૪૪ ટકાનો વધારો જોવા મળ્યો છે.જયારે ૨૭ ટકા ડિપ્રેશન કેસ તેમજ એડજસ્ટમેન્ટ ઇશ્યુના કેસોમાં આશરે ૨૩%નો વધારો જોવા મળ્યો છે.આ ઉપરાંત વ્યસન સંબંધિત સમસ્યાઓમાં પણ ૧૮% વધારો થયો છે,જયારે ઘરેલુ હિંસામાં ૯.૫% નો વધારો જોવા મળ્યો છે.ધર્મ સાથે સંબંધિત બાબતોને કારણે ઉભી થયેલી સમસ્યાઓમાં ૨.૧% જેટલો વધારો થયો છે.આ અભ્યાસ ગુજરાત સાયકોલોજિકલ ઈન્ટરવેશન હેલ્પલાઈન (GPIH) દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.અત્યાર સુધીમાં ૧૫૦ અધ્યાપક અને પ્રોફેશનલ્સ સાઇકોલોજિસ્ટ ગ્રૂપ દ્વારા ગુજરાતભરમાં સરકારી,અર્ધસરકારી અને સેવાભાવી સંસ્થાઓ સાથે મળીને ૧૦થી વધુ માનસિક સ્વાસ્થ્ય હેલ્પલાઇન્સ શરૂ કરી છે.જીપીઆઇએસ દ્વારા અત્યાર સુધીમાં ૪૦૩૫૦ લોકોનું કાઉન્સેલિગ કરવામાં આવ્યું છે.લોકડાઉનમાં માનસિક સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે ગુજરાતના દરેક જિલ્લામાં કાઉન્સેલિંગ સેન્ટરો ઊભા કરાયા છે ત્યારે ગુજરાત સાઇકોલોજિકલ ઇન્ટરવેન્શન હેલ્પલાઇન ટુ પ્રિવેન્ટ કોવિડ-૧૯ની સાત અધ્યાપકે મુખ્યમંત્રીને લોકડાઉન સિવાયની કોઇ વૈકલ્પિક વ્યવસ્થા અંગે વિચારવા લેખિત રજૂઆત પણ કરી છે.જેમાં કોરોના મહામારીના કેસ ન હોય તેવા વિસ્તારોમાં પાબંદી ઓછી કરી છૂટછાટ આપવી જોઇએ.


