અમદાવાદ : શહેરીજનોને ટ્રાફિકજામની સમસ્યાથી મુક્તિ અપાવવા અને ઝડપી શહેરી બસ સેવા પૂરી પાડવા માટે કરોડો રૂપિયા ખર્ચીને ચલાવવામાં આવતી બીઆરટીએસની બસોના અકસ્માતોનું પ્રમાણ ચોંકાવનારી હદે વધ્યું છે.અને તેમાંય ખાસ કરીને પૂર્વ અમદાવાદમાં બીઆરટીએસ ટ્રેકની અંદર-બહાર થતાં અકસ્માતોની સંખ્યા પશ્ચિમની સરખામણીએ વધુ હોવાનું બહાર આવ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર,શહેરના જુદા જુદા વિસ્તારોમાં બીઆરટીએસ ટ્રેક બહાર અને અંદર છેલ્લા એક વર્ષમાં ૩૮ અકસ્માત થયાં છે,જેમાં ચાર ફેટલ અકસ્માત થયાં છે.રાયપુર દરવાજા ચાર રસ્તા અને ઇસ્કોન જંકશન ખાતે બીઆરટીએસના અકસ્માતની સંખ્યા વધી છે.જેમાં કેટલાક અંશે રાહદારીઓ,વાહનચાલકો અને બીઆરટીએસના ડ્રાઇવરોનો વાંક હોય છે.
શહેરમાં દોડતી બીઆરટીએસની બસોથી અને બસો સાથે થતાં અકસ્માતો ટાળવા માટે બીઆરટીએસનો હવાલો સંભાળતાં આસી.કમિશનર વિશાલ ખનામાએ સર્વે કરાવ્યો હતો.જેમાં ૧૭૩ જેટલાં સ્પોટનો સમાવેશ કરવામાં આવ્યો હતો,તેમાં ૨૩ સ્પોટ એવા જાણવામાં આવ્યા કે ત્યાં સૌથી વધુ અકસ્માત થાય છે અને આ ૨૩ સ્પોટ પૈકી મોટાભાગના પૂર્વ અમદાવાદમાં આવેલાં છે.આ તમામ ૨૩ સ્પોટ ઉપર અકસ્માત ટાળવા માટે બીઆરટીએસના અધિકારીઓએ ટ્રેક પૂરો થતો હોય તો ઝીબ્રા ક્રોસિંગ દોરવા અને નાગરિકો માટે સાઇનેજ મૂકવાનો પ્રયોગ હાથ ધરવાનો નિર્ણય લીધો છે.ઝીબ્રા ક્રોસિંગ દોરીને ડ્રાઇવરોને બસ ધીમી ચલાવવાની સૂચના આપવામાં આવશે.
તદઉપરાંત બીઆરટીએસ ટ્રેકમાં ખાનગી વાહનોના પ્રવેશ ઉપર મનાઇ હોવા છતાં શહેરના અમુક વિસ્તારોમાં રિક્ષાચાલકો,બાઇક ચાલકો વગેરે બીઆરટીએસ ટ્રેકમાં ઘૂસી જતાં હોય છે,તેમને અટકાવવા માટે અમુક ટ્રેકમાં ઓટોમેટિક દરવાજા લગાવવા છતાં કોઇ નક્કર પરિણામ મળ્યા નથી,તો અમુક ટ્રેકમાં સિક્યોરિટીવાળા દેખાતા નથી.તમામ બીઆરટીએસ સ્ટેશન આગળ મિકસ ટ્રાફિકના રોડ ઉપર ઝીબ્રા ક્રોસિંગ દોરવા ઉપરાંત લાઇટના થાંભલા ઊભા કરાયા છે તેનો પણ કોઇ અર્થ સરતો હોય તેમ લાગતુ નથી.એટલું જ નહિ કેટલાય જંકશન ખાતે બીઆરટીએસ ટ્રેકમાં ઘૂસેલા વાહનચાલકોને પોલીસ પણ પકડતી નથી.
આવા અનેક કારણોસર બીઆરટીએસ અને રાહદારીઓ તથા ખાનગી વાહનચાલકો વચ્ચે નાનામોટા અકસ્માતો સર્જાયા કરે છે,જેને હવે ગંભીરતાથી લેવામાં આવશે તેમ બીઆરટીએસના અધિકારીઓએ જણાવ્યું હતું.


