અમદાવાદ :શુક્રવાર,3 જુન,2022 : અમદાવાદ શહેરમાં આ વર્ષે ચોમાસાની સીઝન દરમ્યાન મિશન મિલીયન ટ્રી અભિયાન હેઠળ વિવિધ વિસ્તારોમાં ૨૧ લાખ રોપા રોપવાનો લક્ષ્યાંક નકકી કરવામાં આવ્યો છે.આ પૈકી ૧૧ લાખ રોપા મિયાવાંકી પધ્ધતિથી વાવવામાં આવશે.ગત વર્ષે કુલ તેર લાખ રોપા રોપવા પાછળ નવ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.રોપવામાં આવતા રોપા પૈકી અંદાજે ૯૦ ટકા રોપા જીવંત રહે છે.રીક્રીએશન કમિટીની બેઠકમાં ચોમાસાની મોસમમાં શહેરના સાત ઝોનમાં આવેલા મ્યુનિ.ના પ્લોટોમાં અને અન્ય વિસ્તારોમાં ખુલ્લા પ્લોટમાં મિશન મિલીયન ટ્રી અભિયાન અંતર્ગત ૨૧ લાખ રોપા રોપવાનો લક્ષ્યાંક નકકી કરવામાં આવ્યો હોવાનું ચેરમેન રાજેશ દવેએ કહ્યુ હતું.રોપા ખાનગી નર્સરીઓ ઉપરાંત રાજયના વન વિભાગ પાસેથી ખરીદવામાં આવશે.કઈ જગ્યાએ કેટલા રોપા રોપવા એ અંગે આયોજન કરવામાં આવશે.મ્યુનિ.હસ્તકના પ્લોટ ઉપરાંત મ્યુનિ.ની માલિકીની જગ્યામાં ૧૧ લાખ રોપા રોપાશે.જયારે બાકીના દસ લાખ રોપા શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં રોપવામાં આવશે.વર્ષ-૨૦૨૦ -૨૧માં શહેરમાં કુલ તેર લાખ રોપા રોપવામાં આવ્યા હતા.આ પૈકી દસ ટકા રોપા નાશ પામતા તેમના સ્થાને નવા રોપા રોપવામાં આવ્યા હોવાનો ચેરમેને દાવો કર્યો છે.
કમિટીમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા મ્યુનિ.ના બગીચા પૈકી તિલકબાગ ુઉપરાંત પરિમલ ગાર્ડન,સિંધુભવન પાસે થલતેજ વોર્ડમાં,હેબતપાર્ક,થલતેજ ફાયર સ્ટેશન પાસે,રાણીપ તથા સાબરમતી સહિતના ગાર્ડન પી.પી.પી.ધોરણે વધુ પાંચ વર્ષના સમય માટે યુ.એન.મહેતા ફાઉન્ડેશનને આપવા નિર્ણય કરવામાં આવ્યો છે.સરસપુર વોર્ડમાં પી.પી.પી.ધોરણે ચલાવવા આપવામાં આવેલા ત્રણ બગીચામાં યોગ્ય મેઈન્ટેનન્સ થતુ ના હોવાની સભ્યની રજુઆત બાદ જે સંસ્થાને આ બગીચા આપવામાં આવ્યા છે એ સંસ્થાને બગીચાઓનુ યોગ્ય રીતે મેઈન્ટેનન્સ થાય એ માટે સુચના આપવા તાકીદ કરાઈ હતી.અસારવામાં પી.પી.પી.ધોરણે ચલાવવામાં આવેલા બગીચાનો કચરો માળી દ્વારા બગીચાના બહારના ભાગમાં બાળવામાં આવતા એને ફરજ ઉપરથી દુર કરવામાં આવ્યો હતો.


