ભોપાલ, તા.4 નવેમ્બર : ભારતીય તહેવારોની એક વિશેષતા એ પણ છે કે,તેની ઉજવણીમાં લોકો એક બીજાની નજીક આવતા હોય છે અને સબંધોમાં આવેલી ખટાશ પણ ઓછી થતી હોય છે.
કદાચ આ જ કારણસર ભોપાલની એક ફેમિલી કોર્ટે છૂટાછેડા લેવા માટે પહોંચેલી મહિલાને આદેશ આપ્યો છે કે,પહેલા કરવા ચૌથની ઉજવણી કરી લો અને એ પછી અરજી આપજો.મહિલાએ કોર્ટ સમક્ષ કહ્યુ હતુ કે,લગ્ન પહેલા મેં મારા સાસરિયાઓ પાસે વચન લીધુ હતુ કે,મારુ ભણવાનુ નહીં છોડાવે પણ લગ્ન બાદ તેમણે મને અભ્યાસ બંધ કરવાની ફરજ પાડી હતી.એ પછી વિવાદ એટલો વધી ગયો હતો કે,મારઝૂડ શરુ થઈ હતી અને છેવટે વાત છૂટાછેડા સુધી પહોંચી હતી.
કોર્ટે આ કેસમાં બંને પક્ષને કાઉન્સિલિંગ માટે બોલાવ્યા હતા.જેમાં પતિ અને અને તેની માતાએ વહુ પર આરોપ લગાવ્યા હતા.કાઉન્સિલરે મહિલાને સમજાવી હતી અને આખી વાતની જાણકારી જજને આપી હતી.કોર્ટમાં સુનાવણી વખતે જજે કહ્યુ હતુ કે,એક કામ કરો,પહેલા તમે કરવા ચોથનો તહેવાર ઉજવી લો અને એ પછી કોર્ટમાં આવજો.જજે આ હુકમ આપવાની સાથે સાથે વધુ સુનાવણી 11 નિવેમ્બરે રાખી છે.કોર્ટની તાકીદ બાદ મહિલા પોતાના સાસરિયાઓ સાથે રવાના થઈ ગઈ હતી.
કોર્ટ કાઉન્સિલરનુ કહેવુ છે કે,ક્યારેક એવુ બનતુ હોય છે કે,જ્યારે સાસુ ઈચ્છતી નથી હોતી કે પુત્રનો પરિવાર વીખેરાઈ જાય.ઘણી વખત તેના કારણે છૂટાછેડા અટકી જાય છે.

