– ગૌણ સેવા પસંદગીથી માંડી પંચાયત સેવા પસંદગી બોર્ડની વિવિધ પરીક્ષાના પેપર લીક
– ગુજરાતમાં પેપર લીક પંરપરા સતત ચાલુ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર આજે લીક થતા રાજ્યભરમાં હોબાળો મચ્યો છે ત્યારે આ પેપર લીકની ઘટના તો જાણે ગુજરાત માટે હવે આશ્ચર્યની વાત ન રહી હોઈ છેલ્લા ૯ વર્ષમાં ૧૦થી વધુ ભરતી પરીક્ષાના પેપર લીકની ઘટના બની ચુકી છે.
ગુજરાતની વિવિધ ભરતી પરીક્ષઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક થવાની જાણે પરંપરા બની ગઈ હોઈ દર વર્ષે કોઈને કોઈ પરીક્ષા પેપર લીકની ઘટના બને છે.છેલ્લા ૯ વર્ષમાં ૧૦થી વધુ પરીક્ષાઓના પેપર લીક થયા છે. ૨૦૧૪માં જીપીએસસી ચીફ ઓફિસરનું પેપર ફુટયા બાદ ૨૦૧૫ અને ૨૦૧૬માં તલાટી ભરતી પરીક્ષાના પેપરો ફુટવાની ઘટના બની હતી.ત્યારબાદ ૨૦૧૮માં ટાટ-શિક્ષક ભરતી માટેની પરીક્ષાનું પેપર ફુટયુ હતું.આ ઉપરાંત ૨૦૧૮માં મુખ્ય સેવિકાની ભરતી પરીક્ષાનું પેપર લીક થયુ હતું ત્યારબાદ ૨૦૧૮માં જ નાયબ ચિટનીસની જગ્યા માટેની ભરતી પરીક્ષાનું પણ પેપર લીક થયુ હતું.
૨૦૧૯માં બિનસચિવાલય કારકુનની પરીક્ષાનું અને ૨૦૨૧માં હેડ કલાર્કની ભરતી પરીક્ષાનું પેપર લીક થયુ હતું. ૨૦૨૧માં ડીજીવીસીએલ વિદ્યુત સહાયકની પરીક્ષાનું તેમજ ૨૦૨૧માં સબ ઓડિટરની અને છેલ્લે ૨૦૨૨માં વનરક્ષક ભરતી પરીક્ષાનું પેપર ફુટયુ હતું.આમ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ,રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડની વિવિધ ભરતી પરીક્ષાઓના પેપર ફુટતા પરીક્ષાઓ રદ કરવી પડી હતી અને અત્યાર સુધીમાં અંદાજે એક કરોડથી વધુ ઉમેદવારો આ વિવિધ ભરતી પરીક્ષાઓના પેપર લીક થતા ભોગ બની ચુક્યા છે.
કયા વર્ષમાં કયુ પેપર ફુટયું
૨૦૧૪ જીપીએસસી ચીફ ઓફિસર
૨૦૧૬ તલાટી પરીક્ષાનું પેપર
૨૦૧૮ ટાટ પરીક્ષાનું પેપર
૨૦૧૮ મુખ્ય સેવિકાની પરીક્ષા
૨૦૧૮ નાયબ ચિટનિસ પરીક્ષા
૨૦૧૮ એલઆરડી પરીક્ષા
૨૦૧૯ બિનસચિવાલય કારકુન
૨૦૨૧ હેડ કલાર્કની પરીક્ષા
૨૦૨૧ વિદ્યુત સહાયક પરીક્ષા
૨૦૨૧ સબ ઓડિટર
૨૦૨૨ વનરક્ષક ભરતી પરીક્ષા
૨૦૨૩ જુનિયર કલાર્ક પરીક્ષા


