– 1થી 21 જાન્યુ.2022 સુધીમાં 97 દર્દી મૃત્યુ પામ્યા
– પહેલી લહેરમાં 35 અને બીજી લહેરમાં 37 દિવસમાં 100 દર્દીનાં મોત થયાં હતાં
ત્રીજી લહેરમાં 27 દિવસમાં દર 1862 કેસની સામે 1 મોત
રાજ્યમાં 26 ડિસેમ્બર 2021થી ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ છે.27 દિવસમાં ગુજરાતમાં 1.93 લાખથી વધુ કેસ નોંધાયા છે અને સાથે જ 100થી વધુ દર્દીનાં મોત થયાં છે.26 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી 2022 સુધીના 27 દિવસમાં ગુજરાતમાં 104 દર્દીનાં મૃત્યુ થયાં છે.આ 27 દિવસમાં નોંધાયેલા 1 લાખ 93 હજાર 606 કેસની સામે દર 1862 કેસની સામે 1 મોત નોંધાયું છે.
બીજી લહેરના 37 દિવસમાં દર 364 કેસે એક મોત
22 ફેબ્રુઆરીથી ગુજરાતમાં બીજી લહેરની શરૂઆત થઇ. પહેલી લહેર કરતાં બીજી લહેરનું સંક્રમણ રોકેટગતિએ વધવા લાગ્યું હતું.જોકે લહેરની શરૂઆતમાં કેસો વધારે નોંધાયા હતા,પરંતુ તેની સામે મોતની સંખ્યા ઓછી હતી,પરંતુ એપ્રિલ મહિનાથી ગુજરાતમાં મોતનો આંકડો પણ જેટ સ્પીડે જોવા મળ્યો હતો.બીજી લહેરમાં 22 ફેબ્રુઆરીથી 30 માર્ચ સુધીના 37 દિવસમાં 38234 કેસ નોંધાયા હતા અને 105 દર્દીનાં મોત થયાં હતાં.આ 37 દિવસમાં નોંધાયલા કેસની સામે દર 364 કેસે એક મોત નોંધાયું હતું.
પહેલી લહેરમાં 35 દિવસમાં 104 મોત થયાં
19 માર્ચે ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો અને 22 માર્ચના રોજ પ્રથમ કોરોના દર્દીનું મોત સુરત ખાતે થયું હતું.19 માર્ચથી 22 એપ્રિલ 2020 સુધીના 35 દિવસમાં 2407 કેસ જ નોંધાયા હતા,પરંતુ તેની સામે 104 દર્દીનાં મોત થયાં હતાં.પહેલી લહેરમાં કોરોના મહામારીની સારવાર અને દવાના જાણકારી ઓછી હોવાથી કોરોના સામે લડવું મુશ્કેલ હતું અને એને કારણે 35 દિવસમાં ઓછા કેસ નોંધાયા હોવા છતાં 104 દર્દીનાં મૃત્યુ થયાં હતાં.આ સમયગાળામાં નોંધાયેલા 2407 કેસની સામે દર 23 કેસે એક દર્દીનું મોત થયું હતું.


