મુંબઈ : છેલ્લા પાંચ દાયકા દરમ્યાન મુંબઈમાં મકાન હોનારતને કારણે ૮૦૦થી વધુ લોકોએ તેમના જીવ ગુમાવવા પડયા છે.સપ્ટેમ્બર ૨૦૨૦માં રાજ્યએ શહેરમાં જૂના જર્જરીત સેસ્ડ મકાનોના ભાડૂતોને પુનર્વિકાસના હક્કો આપતો મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ એક્ટ (મ્હાડા),૧૯૭૬ એક્ટમાં સુધારો કર્યો હતો.આ સુધારા મુજબ નોટિફિકેશન જારી કર્યાના એક વર્ષમાં મકાનમાલિકો મકાન રિડેવલપ કરવામાં નિષ્ફળ જાય તો મ્હાડા તેમાં હસ્તક્ષેપ કરી શકે છે.આ સુધારાનો મુખ્ય હેતુ મકાનમાલિકોને તેમના જૂના મકાનો રિડેવલપ કરવા માટે દબાણ લાવવાનો હતો.મ્હાડા પાસેથી મળેલી માહિતી અનુસાર ૧૯૭૦ અને ૨૦૧૮ દરમ્યાન મકાન હોનારતોમાં ૮૧૫ લોકોના મોત થયા છે.
આર્કિટેક્ટ ચંદ્રશેખર પ્રભુએ જણાવ્યું કે સરકારે બિલ્ડરો માટે નહિ પણ આવા મકાનોમાં રહેતા લોકો માટે નીતિ ઘડવી જોઈએ.તેમણે વધુમાં જણાવ્યું કે સેસ્ડ મકાનો અને ભાડુતી મકાનોની હોનારતો પાછળના કારણો સંપૂર્ણપણે ભિન્ન છે.નિષ્ણાંતોના મતે મુંબઈમાં બ્રિટીશ યુગની પાઘડી સીસ્ટમને કારણે છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન મકાનમાલિકોએ મકાનોના રિડેવલપમેન્ટના લાભ ભાડૂતોને ન આપ્યા હોવાથી સેંકડો લોકોના મોત થયા છે અને હજારો પરિવારો બેઘર થયા છે.
બીજી તરફ ઉપનગરોમાં ભાડૂતી મકાનોની મંગળવારે નાઈક નગરમાં બની તેવી અવગણના થતી હોવાથી તે હોનારતનો ભોગ બને છે.નાઈક નગરમાં ૧૯ જણાનો ભોગ લેનાર દુર્ઘટનાગ્રસ્ત મકાન વસંતરાવ નાઈકના મુખ્ય મંત્રી તરીકેના શાસન દરમ્યાન વણજારા આદિવાસી કોમને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવ્યું હતું.જો કે વણજારા કોમના સભ્યોએ તેમને અધિકાર ન હોવા છતાં તેમના ફ્લેટ બિન વણજારા કોમના સભ્યોને વેંચી નાખ્યા હતા.આ સભ્યોને પછી જાણ થઈ કે તેમની પાસે પણ ફ્લેટ વેંચવાનો અધિકાર નથી ત્યારે તેમણે આવા ફ્લેટ ભાડે આપવાનું શરૃ કરી દીધું.પરિણામે આ મકાનના સમારકામની અવગણના થઈ.
રાજ્યના આવાસ વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ પ્રોપર્ટી ઓનર્સ એસોસિયેશને રાષ્ટ્રપતિને આ સુધારો નકારવાની વિનંતી કરી છે.ઉપરાંત આવાસ મંત્રાલયે મહારાષ્ટ્ર સરકાર પાસેથી વાંધા બાબતે અહેવાલ માગ્યો છે.એસોસિયેશનના મતે સુપ્રીમ કોર્ટ દ્વારા આવી જ બાબતો પર વચગાળાના આદેશો અપાયા હોવાથી આ સુધારો નકારવો જોઈએ.એસોસિયેશને જણાવ્યું કે મ્હાડાના અન્ય સુધારા સામે મે ૧૯૯૬માં વચગાળાનો આદેશ પસાર થયો હતો જે સુપ્રીમ કોર્ટમાં છેલ્લા ૨૬ વર્ષથી અવલંબિત છે.એક તરફ મકાન હોનારતમાં સેંકડો લોકોના મોત થાય છે અને બીજી તરફ સુપ્રીમ કોર્ટે હજી આ બાબતે નિર્ણય નથી લીધો.


