બોડેલીમાં પહેલી વાર એકસાથે પડેલા ૨૧ ઇંચથી વધુ વરસાદથી બોડેલીવાસીઓ હતપ્રભ બની ગયા હતા રવિવારે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં પડેલા ૨૧ ઇંચથી વધુ વરસાદના પગલે સર્જાયેલી ખાનાખરાબી અને તારાજી પાણી ઊતરતાં બહાર આવી છે.બોડેલીમાં પહેલી વાર એકસાથે પડેલા ૨૧ ઇંચથી વધુ વરસાદથી બોડેલીવાસીઓ હતપ્રભ બની ગયા હતા.વરસાદ પડતાં અને ધીરે-ધીરે પાણી વધતાં ઘણા બધા રહીશો ગભરાટના માર્યા જીવ બચાવવા પરિવાર સાથે ઉપરના માળે અથવા તો ટેરેસ પર જતા રહ્યા હતા.
બોડેલીમાંથી ગઈ કાલે વરસાદી પાણી ઓસરતાં અનેક વિસ્તારોમાં થયેલા ભારે નુકસાનીનાં દૃશ્યો સામે આવ્યાં હતાં.બોડેલીના રઝાનગર સહિતના વિસ્તારોમાં કંઈ કેટલાંયે ઘરોમાં પાણી ભરાઈ જતાં અનાજ-કરિયાણું,રાચરચીલું,ઘરવખરી સહિતનો સામાન પલળી ગયો હતો તો ક્યાંક સામાન વરસાદી પાણીમાં તણાઈ ગયો હતો.રઝાનગર વિસ્તાર લો લેવલ પર હોવાથી ત્યાં ભારે ખાનાખરાબી સર્જાઈ હતી.રવિવારે પડેલા ભારે વરસાદની વચ્ચે બોડેલીના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એ.એસ.સરવૈયાએ છાતી સમા પાણીમાંથી બાળકો સહિતના લોકોને બચાવીને બહાર કાઢ્યા હતા.


