મુંબઇ : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ ગેંગસ્ટર છોટા શકીલના બનેવી આરિફ અબૂબકર શેખ અને તેના ભાઇ શબ્બીર અબુબક્કર શેખની ધરપકડ કરી છે.ગયા સોમવારે મુંબઈ તથા અન્યત્ર દાઉદ ગેન્ગ સાથે સંકળાયેલા લોકોના ૨૯ જેટલાં સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.તેમાં તપાસના અનુસંધાને આ બંનેની ધરપકડ કરાઈ છે.આ બંને ભાઈઓ દાઉદ ગેન્ગના મની લોન્ડરિંગમાં સંકળાયેલા હોવાનું કહેવાય છે.તેમના અને શકીલ વચ્ચે મહિના અગાઉ જ આર્થિક વ્યવહાર થયો હોવાની શંકા છે.એનઆઇએ દ્વારા શકીલના સાઢુભાઇ સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રુટને તાબામાં લઇને કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી છે.
‘ડી’ કંપનીના હવાલા ઓપરેટર્સ, ડ્રગ પેડલર્સ, બુકી, બિલ્ડર, શાર્પ શૂટરને ત્યાં મુંબઇ અને આસપાસના અંદાજે ૨૯ સ્થળે સોમવારે એનઆઇએના અધિકારીઓએ છાપો માર્યો હતો. નાગપાડા, ભીંડીબજાર, ગોરેગામ, બોરીવલી, સાંતાક્રુઝ, માહિમ મુંબ્રા, ભિવંડી અને અન્ય જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.દાઉદના ટેરર ફંડિંગ, ભારતમાં હુમલાના કાવતરાની શંકાને લીધે એનઆઇએની કાર્યવાહી શરૃ છે.દાઉદના સાથીદાર છોટા શકીલના ભીંડી બજારમાં રહેતા સાઢુભાઇ સલીમ કુરેશીને ત્યાં દરોડા પાડી એનઆઇએની ટીમે તેને તાબામાં લઇ પૂછપરછ કરી હતી.
આરોપી આરિફ શેખ ગેંગસ્ટર છોટા શકીલનો બનેવી છે.મીરારોડના આરિફના લગ્ન શકીલની બહેન ફહમીદા સાથે થયા હતા. વર્ષ ૨૦૨૦માં ફહમીદાને કોરોના થયો હતો.પછી તેનું મોત નિપજ્યું હતું.ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડયાની હત્યાના કેસમાં આરિફ શેખ આરોપી હતો.વર્ષ ૨૦૦૬માં દુબઇથી પ્રત્યાર્પણ કરીને તેને મુંબઇ લાવવામાં આવ્યો હતો.હરેન પંડયા હત્યા કેસ ઉપરાંત આરિફ સામે મુંબઇમાં ખંડણી, ગેરકાયદે જમીન તફડાવી લેવા જેવા અનેક ગંભીર ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.વર્ષ ૨૦૧૬માં ખંડણી વિરોધી શાખાએ ખંડણીના મામલામાં તેની ધરપકડ કરી હતી.
છોટા શકીલના આદેશ મુજબ આરિફ અને તેનો ભાઇ શબ્બીર મુંબઇમાં ગુનાહિત ગતિવિધિ કરતા હતા. એનઆઈએ ે દ્વારા બંને ભાઇની ધરપકડ બાદ આજે કોર્ટમાં હાજર કરાયા હતા.કોર્ટે તેમને ૨૦મે સુધીની એનઆઇએની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.દાઉદ સંબંધિત મની લોન્ડરિંગ પ્રકરણમાં શકીલના સાઢુભાઇ સલીમ ફ્રુટની પણ અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ પૂછપરછ કરી હતી.દક્ષિણ મુંબઇમાં સલીમ અને તેના પરિવારનો ફળોનો વ્યવસાય છે.દાઉદની સુપારી કિલર અને ખંડણીનું રેકેટ ચલાવતા છોટા શકીલનો સલીમ નજીકનો સાથીદાર છે.શકીલને મળવા તે ત્રણ-ચાર વખત પાકિસ્તાન ગયો હોવાનું કહેવાય છે.શકીલ સાથેના ખંડણીના કેસમાં અગાઉ સલીમની ધરપકડ કરાઇ હતી.તે વર્ષ ૨૦૧૦ સુધી જેલમાં હતો.વર્ષ ૨૦૧૬માં પણ ખંડણી વિરોધી શાખાએ તેની ફરી ધરપકડ કરી હતી.મુંબઇના એક ડોક્ટરને ૨૫ લાખ રૃપિયાની ખંડણી માટે મારી નાખવાની ધમકી આપી હોવાનો તેના પર આરોપ હતો.


