સવારે સાત વાગ્યાથી દેશભરમાં જનતા કર્ફયુની શરૂઆત
એજન્સી, નવી દિલ્હી
રવિવારે સવારે સાત વાગ્યાથી દેશભરમાં જનતા કર્ફયુની શરૂઆત થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી બહાર નહીં નીકળવાની અપીલ કરી છે. રવિવારે સવારે તેમણે ફરીથી ટ્વીટ કર્યું કે, તમામ નાગરિક આ દેશવ્યાપી અભિયાનમાં ભાગ લે અને કોરોના સામેની લડતને સફળ બનાવે.
જનતા કફર્યુ દરમિયાન દેશના તમામ શહેરોમાં કફર્યુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. બેંગલુરુની પોલીસે કારણ વગર ઘરથી બહાર નીકળવા પર કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. જો કે દિલ્હી પોલીસે જણાવ્યું છે કે, અમે કોઈપણ પ્રકારની કડકાઈ રાખીશું નહીં અને દંડ પણ કરીશું નહીં.
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યોના મુખ્ય સચિવોની સાથે વાત કરી છે. તેમણે તમામ રાજ્યોના બ્યૂરોક્રેટ્સને જણાવ્યું છે કે, તેઓ લોકલ એડમિનિસ્ટ્રેશનની સાથે વાત કરીને સાંજે 5 વાગ્યે સાયરનની વ્યવસ્થા કરાવે જેથી પ્રજા તેમના ઘરમાં જ રહીને કોરોના વાયરસનો સામનો કરી રહેલા લોકોનો આભાર વ્યક્ત કરી શકે.

