– યોગી સરકારના મંત્રીએ કહ્યું કે, આ અમારી વિચારધારાનો પ્રભાવ છે જેના કારણે લોકોએ પોતાનો એજન્ડા છોડી દીધો છે અને અમારૂં અનુસરણ કરવાનું શરૂ કરી દીધું
નવી દિલ્હી : તા. 27 ડિસેમ્બર, 2021, સોમવાર : ઉત્તર પ્રદેશના પંચાયતી રાજ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચોધરીએ કહ્યું કે,જો યોગી આદિત્યનાથ સરકાર ફરી વખત સત્તામાં આવશે તો એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી ખભે જનોઈ પહેરીને ભગવાન રામના નામનો જાપ શરૂ કરી દેશે.મુરાદાબાદના રહેવાસી અને રાજ્ય વિધાન પરિષદના સદસ્ય ચૌધરીએ રવિવારે શામલી ખાતે આયોજિત એક સભામાં આ નિવેદન આપ્યું હતું.
શા માટે એવું લાગે છે કે,ઓવૈસી જનોઈ પહેરવાનું શરૂ કરી દેશે તેવા સવાલના જવાબમાં મંત્રીએ કહ્યું કે,અમે અમારા એજન્ડાને આગળ વધારી રહ્યા છીએ.આ એજન્ડાના કારણે અખિલેશ યાદવે હનુમાન મંદિરોમાં જઈને પૂજા કરવાનું શરૂ કરી દીધું છે અને કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ જનોઈ પહેરવાનું અને પોતાનું ગોત્ર કહેવાનું ચાલુ કરી દીધું છે.
પોતાનો એજન્ડા છોડીને અમને ફોલો કરી રહ્યા છે : યોગી સરકારના મંત્રીએ કહ્યું કે,’આ અમારી વિચારધારાનો પ્રભાવ છે જેના કારણે લોકોએ પોતાનો એજન્ડા છોડી દીધો છે અને અમારૂં અનુસરણ કરવાનું શરૂ કરી દીધું છે.જેઓ તૃષ્ટિકરણમાં લિપ્ત હતા અને ફક્ત અલ્પસંખ્યકો અંગે બોલતા હતા,જેમણે ભગવાન રામના અસ્તિત્વનો સ્વીકાર નહોતો કર્યો અને કોર્ટમાં સોગંદનામુ દાખલ કરીને રામને કાલ્પનિક ગણાવ્યા હતા તેમણે જનોઈ પહેરવાનું અને મંદિરોમાં જવાનું શરૂ કરી દીધું છે.’
આ અંગે ઓવૈસીની પ્રતિક્રિયા પુછવામાં આવતા તેમણે કહ્યું હતું કે,’તમને લોકોને શું થયું છે?જો કોઈ વાંધાજનક નિવેદન આપે છે તો તમને મારી પ્રતિક્રિયા શા માટે જોઈએ છીએ?તમને મારા પાસેથી કયા પ્રકારની પ્રતિક્રિયા જોઈએ છે?હું આ પ્રકારના પાગલપણાથી ભરેલા નિવેદનો પર ટિપ્પણી નથી આપવા માગતો?’