અમદાવાદ : તા.8 જુલાઈ 2022,શુક્રવાર : જામજોધપુરના કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટની સજા સામેની અપીલની સુનાવણી દરમ્યાન સંજીવ ભટ્ટ તરફથી તેમની અપીલ નહી ચલાવવા અને સમયની માંગણી કરવામાં આવતાં હાઇકોર્ટે નારાજગી વ્યકત કરી હતી. હાઇકોર્ટે સંજીવ ભટ્ટના વકીલને માર્મિક ટકોર કરી હતી કે,જયારે સુપ્રીમકોર્ટે આ કેસની સુનાવણી ઝડપી હાથ ધરવા નિર્દેશ કર્યો હોય ત્યારે તમારા તરફથી કેસની સુનાવણી વિલંબિત કરવાની આ પ્રકારની પ્રયુકિત યોગ્ય ના કહી શકાય.
સને ૧૯૯૦માં પ્રભુદાસ વિશ્નાની નામના વ્યકિતના કસ્ટોડિયલ ડેથના ચકચારભર્યા કેસમાં જામનગર સેશન્સ કોર્ટ દ્વારા પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને જન્મટીપની આકરી સજા ફટકારવામાં આવી હતી.જયારે અન્ય પાંચ આરોપીઓને પણ ટ્રાયલ કોર્ટે અલગ-અલગ સજા કરી હતી.સજાના આ હુકમ સામેની સંજીવ ભટ્ટ તથા અન્ય આરોપીઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી અપીલમાં આજે સંજીવ ભટ્ટ તરફથી એવી દલીલ કરાઇ હતી કે,આ કેસ સંદર્ભમાં તેમની રિવ્યુ પિટિશન સુપ્રીમકોર્ટમાં પડતર છે અને તેથી આ અપીલ હાઇકોર્ટે હાલના તબક્કે સાંભળવી જોઇએ નહી.
જો કે,રાજય સરકાર તરફથી સંજીવ ભટ્ટની દલીલનો ભારે વિરોધ કરાયો હતો અને જણાવાયુ હતું કે,સંજીવ ભટ્ટ દર વખતે એક યા બીજા પ્રકારે કેસની સુનાવણી વિલંબિત કરી રહ્યા છે.ભટ્ટ આવી પ્રયુકિતઓના ઉપયોગ થકી મહત્વપૂર્ણ કેસની સુનાવણી ટાળી રહ્યા છે,જે કોઇપણ સંજોગોમાં ચલાવી શકાય નહી.હાઇકોર્ટે કેસની સુનાવણી ઝડપીથી પૂર્ણ કરવી જોઇએ.હાઇકોર્ટે કેસની સુનાવણી દરમ્યાન સંજીવ ભટ્ટના વકીલ સિવાયના આ કેસમાં અન્ય આરોપીઓ તરફથી કોઇ વકીલ હાજર નહી રહેતાં તેની પણ ગંભીર નોંધ લીધી હતી અને નારાજગી વ્યકત કરી હતી.


