– ટોળાએ મંદિર પર હુમલો કરી, ભગવાનની મૂર્તિ અને મંદિરને નુકસાન પહોંચાડ્યું.
જ્યારે સમગ્ર વિશ્વ જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણના જન્મદિવસની ઉજવણી કરી રહ્યું હતું.ત્યારે પાકિસ્તાનના સિંધ પ્રાંતના ખિપ્રો શહેરમાં તોફાનીઓએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી હતી અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમાને તોડી નાખી હતી.પાકિસ્તાનમાં લઘુમતી કોમ તરીકે જીવતા હિન્દુઓ પર અવારનવાર હુમલા,મંદિરોમાં તોડફોડ અને હિન્દુ દીકરીઓનું જબરજસ્તી ધર્મપરિવર્તન કરાવવું એ જાણે પાકિસ્તાનમાં સામાન્ય બાબત બની ગઈ છે.
પાકિસ્તાનીઓએ તોડફોડ કરેલા મંદિરની તસવીરો અને ક્ષતિગ્રસ્ત મૂર્તિની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.પાકિસ્તાની લેખિકા સુરક્ષા દેદાઈએ આ ઘટનાની નિંદા કરી હતી. તેમણે ટ્વિટ કર્યું કે, “આ શરમજનક છે.” આ બાબતે, પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સભ્ય લાલ માહલીએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને વડાપ્રધાન ઇમરાન ખાનને પૂછ્યું હતું કે, ” પાકિસ્તાનના લઘુમતીઓ પર આવા હુમલા ક્યારે બંધ થશે ?”
આ ઘટનાની ભારત સહિત પાકિસ્તાનમાં પણ નિંદા થઈ રહી છે. પાકિસ્તાનમાં લઘુમતી કોમની સેફટી વિશે હવે, અનેક સવાલો ઉઠી રહ્યા છે.લોકોની આસ્થાનું પ્રતીક એવા મંદિર પર વારંવાર હુમલાએ શરમજનક છે અને પાકિસ્તાન પોલીસ હંમેશા કાર્યવાહી કરવાના મુદ્દે નાટક કરે છે અને આ કારણે હિન્દુઓની લાગણી દુભાય છે.