નવસારી, તા.3 ફેબ્રુઆરી, શુક્રવાર : હાલના સમયમાં લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા દરેક યુગલ કંઈકને કંઈક નવું આયોજન કરે છે.લગ્ન પ્રસંગમાં દુલ્હનની એન્ટ્રીથી લઈને વરરાજાના વરઘોડા સુધી દરેક આયોજન ખાસ બનાવવા અને અન્યથી અલગ દેખાય તે માટે અવનવું હવેના લગ્ન પ્રસંગોમાં જોવા મળે છે.ત્યારે હાલ આવુજ કઈક નવુ ગુજરાતના ચીખલી ખાતે આયોજિત એક લગ્ન પ્રસંગમાં જોવા મળ્યું જ્યા વરરાજાનો વરઘોડો જેસીબીમાં કાઢવામાં આવ્યો હતો જેથી જાનૈયાઓ સાથે આ વરઘોડો જોનાર સૌ કોઈમાં કુતુહલ સર્જાયું હતું .
નવસારી જિલ્લાના ચીખલીમાં આવેલા કલીયારી ગામમાં કેયુર પટેલ નામના યુવકના લગ્ન હતા.સામાન્ય રીતે,કાર,ઘોડાગાડી કે બળદગાડામાં જાન જોડવામાં આવે છે,પરંતુ અહીં વરરાજાની જાનમાં જેસીબી જોડવામાં આવતા સૌ કોઈની નજર તેના પર જ અટકી ગઈ હતી.રસ્તામાં જાન જોનારા લોકો પણ વરરાજાનો આવો અંદાજ જોઈને આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.
ખાસ વાત છે કે કેયુર પટેલ ખેતી કામ કરે છે અને થોડા સમય પહેલા તેમણે પંજાબમાં એક લગ્નનો વાઈરલ વીડિયો જોયો હતો.જેમાં વરરાજા જેસીબીમાં સવાર થઈને પરણવા માટે મંડપમાં પહોંચ્યા હતા.આ વીડિયો જોઈને કેયુર પટેલને પણ પોતાના લગ્નમાં કંઈક આવા જ અંદાજમાં જાન લઈને જવાનો વિચાર આવ્યો અને મંડપની ચોરી સુધી તેઓ જેસીબીમાં બેસીને પહોંચી ગયા.હાલમાં તેમનો જેસીબીની સવારીનો વીડિયો પણ સામે આવી રહ્યો છે.આ લગ્ન પ્રસંગ આદિવાસી પરંપરા મુજબ લેવાયા હોય,જેથી વરરાજા અને દુલ્હન બંનેને એક સાથે જેસીબી માં બેસાડી વરઘોડાને લગ્ન મંડપ સુધી લઈ જવાયો હતો.જ્યાં વરરાજા અને દુલ્હન બંને એક સાથે વરઘોડામાં બેસી નાચતા હોય અને અત્યાર સુધી ન જોયો હોય તેવો આ જેસીબી પર નીકળેલા વરઘોડાના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.