નવી દિલ્હી :દિલ્હીના નિઝામુદ્દિન વિસ્તારમાં સ્થિત તબલિગી જમાતના મરકઝના વડા મૌલાના સાદના સસરા સહિત તેમના પરિવારના કેટલાક લોકના કોરોના ટેસ્ટના રિપોર્ટ ગાયબ થઈ ગયા છે.સહારનપુરના સીએમઓ ડૉ.બી.એસ. સોઢીએ જણાવ્યું કે મૌલાના સાદના સસરા સલમાન અને તેમના પરિવારના ૨૧ લોકોના કોરોના ટેસ્ટ કરાવાયા હતા.બધા સેમ્પલ નોઈડા મોકલાયા હતા.તેમણે જણાવ્યું કે નોઈડા મોકલાયેલા લોકોમાંથી ૧૫ના રિપોર્ટ મળ્યા હતા,જે નેગેટિવ આવ્યા હતા,પરંતુ ૭ લોકોના કોરોના રિપોર્ટ ગુમ થઈ ગયા છે,જેમાં મૌલાના સાદના સસરાનો પણ સમાવેશ થાય છે.એવામાં અમે ગુરુવારે ફરીથી સેમ્પલિંગ કરાવ્યા છે,જેના રિપોર્ટ ટૂંક સમયમાં આવશે.
બીજી બાજુ મૌલાના સાદ અને તેના સાથીઓ પર દિલ્હી પોલીસે સકંજો કસ્યો છે.દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ ગુરુવારે મૌલાના સાદના બે નજીકના સાથીઓના ઘરે પહોંચી ગઈ હતી.ત્યાં તેમણે કેટલાક દસ્તાવેજો અંગે તેમની પૂછપરછ કરી અને મરકઝ આવનારા લોકોની વ્યવસ્થા કરનારા ૨૦ લોકો અંગે માહિતી મેળવી હતી.સૂત્રો મુજબ ક્રાઈમ બ્રાન્ચ જે બે લોકોના ઘરે પહોંચી છે તે બંને મૌલાના સાદના સૌથી નજીકના સાથી છે.ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું છે કે વિદેશી ટ્રાવેલ એજન્ટ મારફત બધા જ વિસ્તારોમાં લોકો આ ૨૦ લોકો પાસેથી તેમની વ્યવસ્થા કરાવતા હતા.આ લોકોએ કેટલા જમાતીઓની ટિકિટો બૂક કરાવી છે,જે હજી પણ પોલીસની ધરપકડમાંથી બચવા ક્યાંક છૂપાયેલા છે તે શોધવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે.