વોશિંગ્ટન,28 એપ્રિલ,2022,ગુરુવાર : સંયુકત રાષ્ટ્રસંઘ ખાધ અને કૃષિ સંગઠન (FAO)એ ચેતવણી આપી છે કે જો આફ્રીકામાં રણ પ્રદેશ, બંજર રેગિસ્તાનને આગળ વધતું અટકાવવામાં નહી આવે તો 2030 સુધીમાં બે તૃતિયાંશ જમીન ખેતી માટે લાયક રહી હશે નહી.જમીનની ઘટતી જતી ફળદ્રુપતા દુનિયામાં 3.2 અબજ લોકો પર વિપરીત અસર ઉભી કરશે.ખેતીના પાકોનું નિષ્ફળ જવું, ઓકસીજનમાં ઘટાડો થવો અને જીવ જંતુઓની પ્રજાતિઓ ખતમ થવા જેવી ભયંકર અસરો જોવા મળશે કારણ કે ઇકોલોજીમાં બધા જ એક બીજા માટે કડીરુપ છે.આથી માણસના અસ્તિત્વને પણ ખતરો ઉભો થશે.
યુરોપિયન યુનિયનના જણાવ્યા અનુસાર પૃથ્વી પરની બાયો ડાયવર્સિટીમાં પૃથ્વી પરના જમીનના પોપડાનો 25 ટકા જેટલો ફાળો છે.દર વર્ષે 24 કરોડ ટન ઉપજાઉ માટી અને 1.2 કરોડ હેકટર જમીનના ઉપરના પડનુ ધોવાણ થઇ રહયું છે.જો આવી રીતે જ જમીન ધોવાણ થતું રહેશે તો પાકો ઉગશે જ નહી.જયારે માણસ પોતાના ખોરાક તરીક ઉપયોગમાં લે છે તેમાંની 95 ટકા ચીજ વસ્તુઓ જમીનમાંથી મળે છે.
તંદુરસ્ત એક ગ્રામ માટીમાં 10 કરોડથી 1 અબજ જેટલા બેકટેરિયા હોય છે
યુએનસીસીડીએની માહિતી મુજબ પૃથ્વી પર 33 ટકા જેટલી ફળદ્વુપ જમીન નબળી પડી છે જો જમીન સંરક્ષણ કરવામાં નહી આવે તો 2050 સુધીમાં 90 ટકાથી વધારે જમીન રસકસ વગરની બની ગઇ હશે.માટી અને ખેડ અંગના સંશોધન મુજબ જો માટીમાં કાર્બનિક તત્વો માત્ર 0.4 ટકા વધારવામાં આવે તો ખાધ અનાજની પેદાશમાં 1.3 ટકા જેટલો વધારો થઇ શકે છે.એક તંદુરસ્ત એક ગ્રામ માટીમાં 10 કરોડથી 1 અબજ જેટલા બેકટેરિયા, એકથી દસ લાખ ફૂગ અને સૂક્ષ્મજીવો હોય છે.જે વનસ્પતિના વિકાસ અને તંદુરસ્તી માટે જરુરી છે.
જમીનમાં કાર્બન તત્વોનું પ્રમાણ 50 થી 70 ટકા ઘટયું
ધ ઇકોલોજીકલ સર્વે ઓફ અમેરિકાના જણાવ્યા અનુસાર ખેતીલાયક જમીનમાં જળવાયુ પરીવર્તનના કારણે કાર્બનનું પ્રમાણ 50 થી 70 ટકા ઘટી ગયું છે.માટીમાં સમગ્ર વાતાવરણ,વનસ્પતિ અને પ્રાણીઓની સરખામણીમાં કાર્બનનું પ્રમાણ વધારે હોય છે.કાર્બન જૈવ વિવિધતાને મજબૂત બનાવવાનું કામ કરે છે.નિષ્ણાતોએ એવી પણ ચેતવણી આપી છે કે આગામી 20 વર્ષમાં જમીનની ઘટતી જતી ફળદ્વુપતાને અટકાવવામાં નહી આવે તો અન્ન ઉત્પાદનમાં 30 ટકા જેટલો ઘટાડો થશે.


