મોસ્કો, તા. 19 માર્ચ 2022, શનિવાર : રશિયાના (Russia) 3 અંતરિક્ષયાત્રી (Cosmonauts) શુક્રવારે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (International Space Station) પહોંચ્યા હતા.સ્પેસ સ્ટેશન ખાતે પહેલેથી ઉપસ્થિત અમેરિકી,રશિયન અને જર્મન એસ્ટ્રોનોટ્સ તેમને જોઈને દંગ રહી ગયા હતા કારણ કે,રશિયાના ત્રણેય અંતરિક્ષયાત્રી પીળા અને વાદળી રંગના સ્પેસ સૂટમાં હતા.આ રંગ યુક્રેનના રાષ્ટ્રીય ધ્વજનો રંગ છે.યુક્રેન પરના રશિયન હુમલા વચ્ચે આ અંતરિક્ષયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં પહોંચ્યા છે ત્યારે તેમને જોઈને ત્યાં રહેલા તમામ એસ્ટ્રોનોટ્સને આશ્ચર્ય થયું હતું.
રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસ (Roscosmos) ના અંતરિક્ષયાત્રી ઓલેગ આર્તેમાયેવ (Oleg Artemyev),ડેનિસ માત્વેયેવ (Denis Matveyev) અને સર્ગે કોર્સાકોવ (Sergey Korsakov) શુક્રવારે જ કઝાકિસ્તાનના બૈકોનૂર લોન્સ સ્ટેશન ખાતેથી અંતરિક્ષ તરફ રવાના થયા હતા.તેઓ સોયૂજ એમએસ-21 (Soyuz MS-21) રોકેટ દ્વારા સ્પેસ સ્ટેશન તરફ આવ્યા હતા.
સ્પેસ સૂટના રંગથી આશ્ચર્ય
હજુ સુધી એ અંગે સ્પષ્ટતા નથી થઈ શકી કે,રશિયન સરકાર અને સ્પેસ એજન્સીએ આખરે શા માટે અંતરિક્ષયાત્રીઓને પીળા અને વાદળી રંગના સ્પેસ સૂટમાં મોકલ્યા.જ્યારે અંતરિક્ષયાત્રીઓને તેમના સ્પેસ યુનિફોર્મ અંગે પુછવામાં આવ્યું તો સૌએ પોતે પોતાની મરજીથી આ રંગ પસંદ કર્યો હોવાનું જણાવ્યું હતું.તેમના કહેવા પ્રમાણે તેમને સ્પેસ સૂટનો રંગ પસંદ કરવાની આઝાદી હતી માટે તેમણે આ રંગ પસંદ કર્યો.ઉપરાંત તેમના પાસે પીળા રંગની અનેક વસ્તુઓ થઈ ગઈ હતી માટે તેનો ઉપયોગ થાય તે પણ જરૂરી હતું.
હમદર્દી કે બીજું કશું…
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન અનેક સંસ્થા,દેશ,સમુદાયો અને લોકોએ યુક્રેનના ઝંડા કે તેના પીળા-વાદળી રંગનો ઉપયોગ કર્યો છે જેથી યુક્રેન સાથે હમદર્દી વ્યક્ત કરી શકાય.પરંતુ પહેલી વખત સ્પેસ સ્ટેશન પર આ પ્રકારે કશું જોવામાં આવી રહ્યું છે.રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસના પ્રમુખ ડિમિત્રી રોગોજિન અગાઉ અનેક વખત ડરામણી વાત કરી ચુક્યા છે.


