– જમ્મુમાં છેલ્લા બે વર્ષમાં 360 કરોડનું 185 કિલો હેરોઇન પકડાયું
– રાજ્યમાં 2,500 કિલોગ્રામ અફીણ અને 500 કિલા ગાંજો પણ પકડાયા
જમ્મુ : જમ્મુ-કાશ્મીરમાં જમ્મુમાં પોલીસે પંજાબ જતી ટ્રકમાંથી 100 કરોડનું હેરોઇન જપ્ત કર્યુ છે અને એક વ્યક્તિની ધરપકડ કરી છે, એમ વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.પ્રારંભિક તપાસ સૂચવે છે કે જમ્મુ-કાશ્મીરમાં આ નશીલો પદાર્થ પાકિસ્તાનથી આવ્યો હતો.તેના દ્વારા ખીણમાં આતંકવાદને ઉત્તેજન અપાય છે, એમ સ્થાનિક પોલીસે જણાવ્યું હતું.
જમ્મુ ઝોનના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (એડીજીપી) મુકેશ સિંઘે પત્રકારોને જણાવ્યું હતું કે ખાસ બાતીમના આધારેજાઝર કોટીના સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) દેવેન્દરસિંઘે હાઇવે પર ચેકપોઇન્ટ્સ સ્થાપીને વાહનોની તલાશી લેવાનું શરૂ કર્યુ હતું.આ તલાશી અભિયાનમાં શ્રીનગરથી પંજાબ જતી ટ્રક ચેક પોઇન્ટ પર પકડાઈ હતી.તેઓએ ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો,પરંતુ તેમને આંતરી લેવાયા હતા.ટ્રકની તપાસ દરમિયાન પોલીસે ૫૨ કિલોગ્રામ હેરોઇન પકડયુ હતુ, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 100 કરોડ રુપિયા થાય છે.જો કે ટ્રકનો ડ્રાઇવર ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પરંતુ તેનો કો-ડ્રાઇવર હરિયાણાનો ભરતકુમાર પકડાયો હતો.પ્રારંભિક તપાસમાં સામે આવ્યું હતું કે આ કન્સાઇન્મેન્ટ શ્રીનગરથી પંજાબ દાણચોરી દ્વારા મોકલાઈ રહ્યુ હતું.
એડીજીપીએ જણાવ્યું હતું કે હેરોઇનના પકડાયેલા પેકેટો પર 1999નું માર્કિંગ છે, તે દર્શાવે છે કે પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને હેરોઇનની દાણચોરી દ્વારા સમર્થન પૂરુ પાડી રહ્યું છે.અગાઉ પણ હેરોઇનના પકડાયેલા જથ્થામાં આ જ પ્રકારનું માર્કિંગ જોવા મળ્યું હતું.
વધારે માહિતી આપતા મુકેશ સિંઘે જણાવ્યું હતું કે પોલીસે જમ્મુ વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં ૧૮૫ કિલોગ્રામ હેરોઇન પકડયુ છે અને તેની કુલ કિંમત 360 કરોડ થાય છે.આ ઉપરાંત 500 કિલોગ્રામ ગાંજો અને 2,500 કિલોગ્રામ અફીણ પકડયું છે. નાર્કોટિક્સ સ્મગલિંગમાં કુલ 1,500 વ્યક્તિની ધરપકડ કરાઈ છે અને 1,200 કેસ નોંધાયા છે.