જમ્મુ, તા. 19 માર્ચ 2022, શનિવાર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુના MA સ્ટેડિયમ ખાતે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની 83મી સ્થાપના દિવસ પરેડમાં સામેલ થયા હતા.આ દરમિયાન તેમણે CRPFના જવાનોને સંબોધીત પણ કર્યા હતા.આ પહેલી વખતની ઘટના છે જ્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી બહાર જમ્મુ-કાશ્મીરમાં CRPF સ્થાપના દિવસ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હોય.
જાણવા મળ્યા મુજબ કેન્દ્રીય મંત્રી આગામી અમરનાથ યાત્રા અને પ્રસ્તાવિત વિધાનસભા ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થા અંગે પણ જાણકારી મેળવશે.ઉલ્લેખનીય છે કે,છેલ્લા 5 મહિનામાં અમિત શાહ બીજી વખત જમ્મુની મુલાકાતે આવ્યા છે.અગાઉ અમિત શાહ 5 દિવસ માટે જમ્મુ કાશ્મીર પ્રવાસે પહોંચ્યા હતા.
શુક્રવારે જમ્મુ પહોંચેલા અમિત શાહે આતંકવાદી ઘટનાઓમાં શહીદ થયેલા જમ્મુ કાશ્મીરના બહાદુર જવાનોના પરિવારજનોને નોકરીના નિયુક્તિ પત્રની સોંપણી કરી હતી.આ દરમિયાન તેમણે જણાવ્યું કે,જમ્મુ કાશ્મીરને સુરક્ષિત રાખવાના તેમના સમર્પણ અને વીરતા પર સમગ્ર દેશને ગર્વ છે.મોદી સરકાર જમ્મુ કાશ્મીરના તમામ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણ માટે કટિબદ્ધ છે.
કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ 27 જુલાઈ 1939ના રોજ ક્રાઉન રિપ્રેઝન્ટેટિવ પોલીસ તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું.સરદાર પટેલે 1950મા 19 માર્ચના રોજ CRPFને ઝંડો એટલે કે, ‘પ્રેસિડેન્ટ કલર્સ’ પ્રદાન કર્યો હતો.ત્યાર બાદ 28 ડિસેમ્બર 1949ના રોજ CRPF અધિનિયમ લાગુ થવા પર તેને ‘કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ’નો દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો હતો.

