પોલીસનું કહેવું છે કે આત્મહત્યા કરવા માગતા જયદીપને અટકાવવા ગયેલાં છાયાબહેન સાથે જીભાજોડી થયા પછી આવેશમાં ચાકુથી તેમને મારી ચાકુ ધોઈને અને ટી-શર્ટ બદલીને જીવ આપવા નીકળી ગયો હોય મુલુંડના વર્ધમાનનગરમાં શનિવારે મમ્મી છાયા પંચાલની હત્યા કરીને પુત્ર જયદીપ મુલુંડ રેલવે સ્ટેશન પર આત્મહત્યા કરવા કેમ પહોંચી ગયો એ વિશે પોલીસે તપાસ કરતાં એવું સામે આવ્યું હતું કે પહેલાં જયદીપ ઘરમાં જ આત્મહત્યા કરવા માગતો હતો.તેને અટકાવવા ગયેલાં છાયાબહેન સાથે તેની જીભાજોડી થઈ હતી.એ પછી આવેશમાં આવીને જયદીપે ચાકુથી તેમના પર વાર કરી ચાકુ ધોઈ,ટી-શર્ટ બદલીને ઘરેથી પોતાનો જીવ આપવા માટે નીકળી ગયો હતો.જોકે આ તમામ વાતો કન્ફર્મ કરવા માટે પોલીસ જયદીપના હોશમાં આવવાની રાહ જોઈ રહી છે.
મુંબઈની એક કૉલેજમાં બૅચલર ઑફ એન્જિનિયરિંગનું ભણતો અને મુલુંડની નવભારત સ્કૂલમાં એસએસસીમાં ત્રીજા નંબરે આવેલો જયદીપ પંચાલ સ્વામીનારાયણ સભામાં દર બુધવારે જતો હતો.શનિવારે એવું તે શું બન્યું કે તે પોતાની મમ્મી છાયાબહેનના શરીર પર ૧૨ વાર કરીને ત્યાંથી આત્મહત્યા કરવા નીકળી ગયો? મુલુંડ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે‘પ્રાથમિક માહિતી મળતાં અમે ઘટનાસ્થળે મળેલી છાયાબહેનની બૉડી પોસ્ટમૉર્ટમ માટે રાજાવાડી હૉસ્પિટલમાં આપી હતી.
એ પછી ક્રાઇમ સીન સ્ટડી કરતાં અમારી સામે એવું આવ્યું હતું કે જયદીપ પહેલાં કિચનમાં આત્મહત્યા કરવા ગયો હતો.ત્યા તેણે કિચનના પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાવાની કોશિશ કરી હતી,પણ અમને પંખાના પાંખડા વળી ગયેલા હોવાથી લાગે છે કે એમાં તે નિષ્ફળ ગયો હશે અને એ વખતે ઘરમાં હાજર તેની મમ્મીને ખબર પડી ગઈ હોવી જોઈએ અને તેની મમ્મી છાયાબહેને તેને આત્મહત્યા કરતાં અટકાવ્યો હશે.
એ સમયે બન્નેનો ઝઘડો થયો હશે એટલે કિચનમાં પડેલું ચાકુ જયદીપે ઉપાડી લીધું હશે અને ગુસ્સામાં છાયાબહેન પર વાર કરી દીધા હશે.એ પછી ગળેફાંસો ખાવો શક્ય ન હોવાનું જણાતા તેણે ટ્રેનની નીચે પડતું મૂકવાનો નિર્ણય કર્યો હોવો જોઈએ.તેણે પહેરેલું ટી-શર્ટ લોહીલુહાણ હતું એટલે પહેલાં ચાકુ અને પોતાનું ટી-શર્ટ બાથરૂમમાં ધોઈ બીજું ટી-શર્ટ પહેરીને મુલુંડ સ્ટેશન પર આત્મહત્યા કરવા પહોંચી ગયો હશે.’
જયદીપના એક મિત્રએ‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘ભણવામાં અમારા ગ્રુપમાં તે સૌથી આગળ હતો.સ્કૂલથી લઈને કૉલેજના દિવસોમાં પણ તે કોઈ દિવસ અમારી સામે અપશબ્દો નથી બોલ્યો.હાલમાં તે એક જગ્યાએ ઇન્ટર્નશિપ કરી રહ્યો હતો જે વર્ક ફ્રૉમ હોમ હતું.તે આગળ જતાં પિતા મહેશભાઈને તેમના બિઝનસમાં મદદ કરવા માગતો હતો.તેમનો બિઝનેસ કેવી રીતે વધે એ માટે તેણે બેથી ત્રણ લોકો પાસેથી આઇડિયા પણ લીધા હતા.’


