મહારાષ્ટ્રમાં શિવસેનાએ ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે.જલગાંવ નગરપાલિકામાં ભાજપના છાવણીના 27 કોર્પોરેટરોને શિવસેનાએ પક્ષપલટો કરાવીને સત્તા કબજે કરી હતી.મહત્વનું છે કે આ મ્યુનિસિપાલટીમાં ગુરુવારે મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે ચૂંટણી હતી, જેમાં ભાજપના 27 કોર્પોરેટરોએ પક્ષપલટો કરીને શિવસેનામાં સામેલ થઈ જતાં બંને પદ પર શિવસેનાના ઉમેદવારો જીત્યા હતા.
સાંગલી-મીરાજ-કુપવાડા નગર પાલિકા ગુમાવ્યા પછી ભાજપ માટે આ બીજો મોટો આંચકો છે.સાંગલીમાં એનસીપી-કોંગ્રેસ ગઠબંધનને જીત મળી છે,જ્યારે કે જલગાંવના ભાજપના વરિષ્ઠ નેતા ગિરીશ મહાજન આ વિસ્તાર અને નગરપાલિકા પર દબદબો હતો.અહીં ગરૂવારે મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે કોરોનાને કારણે અહીં ઓનલાઇન ચૂંટણીઓ યોજવામાં આવી હતી.જલગાંવમાં ભાજપ છોડનારા કાઉન્સિલરોને થાણેની એક હોટલમાં અલગ રાખવામાં આવ્યા હતા.ત્યાંથી જ તેમણે મતદાનની પ્રક્રિયામાં ભાગ લીધો હતો. અહીં શિવસેનાના ઉમેદવાર જયશ્રી મહાજને મેયર પદ પર વિજય મેળવ્યો,જ્યારે ડેપ્યુટી મેયર પદ માટે કુલભૂષણ પાટિલ જીત્યા.
ભાજપે મેળવી હતી સ્પષ્ટ બહુમતી
2018ની ચૂંટણીમાં ભાજપે 75 માંથી 57 બેઠકો જીતીને અહીં સ્પષ્ટ બહુમતી મેળવી હતી.જ્યારે શિવસેનાને માત્ર 13 બેઠકો જ મળી હતી,જો કે 27 કાઉન્સિલરોએ એકીસાથે છેડો ફાડ્યા પછી ભાજપ અહીં લઘુમતીમાં આવી ગયો અને શિવસેનાના કાઉન્સિલરોની સંખ્યા 40 થઈ ગઈ હતી.મેયરની ચૂંટણીમાં અપક્ષ સભ્યોએ પણ શિવસેનાને ટેકો આપતા સત્તા શિવસેનાના હાથમાં ગઈ હતી.શિવસેનાના નેતા અને રાજ્ય મંત્રી એકનાથ શિંદેએ અહીં જવાબદારી સંભાળી છે.શિવસેનાના નેતાઓએ દાવો કર્યો છે કે મ્યુનિસિપલ કાઉન્સિલરોએ ભાજપને નકારી કાઢ્યો હતો કારણ કે ત્યાં તેમને તેમના અધિકાર મળતા નહોતા.જલગાંવના સંરક્ષક મંત્રી ગુલાબરાવ પાટીલે કહ્યું કે કાઉન્સિલરો શિવસેના પ્રમુખ અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના સંપર્કમાં હતા.
ભાજપે વચનો પૂરા ન કર્યા તેથી કાઉન્સિલરો અને નાગરિકો નાખુશ હતા
પાટિલે કહ્યું, ભાજપે આ કાઉન્સિલરોને આપેલા વચનો પૂરા કર્યા નથી. તેમના નેતાઓને તેમના કાઉન્સિલરોના નામ પણ ખબર નહોતા,તેથી તેઓ નાખુશ થઈ રહ્યા હતા.તેઓ પાર્ટી અધ્યક્ષ અને એકનાથ શિંદેના સંપર્કમાં હતા.તેથી આજે આ કોર્પોરેશનમાં આપણો ભગવો ધ્વજ લહેરાઈ રહ્યો છે. ” તાજેતરમાં એનસીપીમાં જોડાયેલા એકનાથ ખડસેએ જણાવ્યું હતું કે, જલગાંવમાં ભાજપે સત્તા સંભાળી હતી,પરંતુ છેલ્લા 2.5 વર્ષમાં ઘણાં સ્થાનિક પ્રશ્નો પાણી અને ગટરના મુદ્દા સામેલ છે,તેનું નિરાકરણ ન થતાં નાગરિકો અને કાઉન્સિલરો નાખુશ હતા. “


