અમદાવાદ,તા.14 એપ્રિલ 2022, ગુરૂવાર: જશોદાનગરમાંથી પસાર થતી ખારીકટ કેનાલ નર્કાગારમાં ફેરવાઇ છે,સિંચાઇનું પાણી બંધ થતા જ ગટરોના ગંદા અને બંધિયાર પાણી વચ્ચે આખી કેનાલ ગંદકીથી ખદબદી રહી છે.કચરો, માખી મચ્છરના ઉપદ્રવ વચ્ચે કાળું ડામર જેવું લીલ વળેલું પાણી અસહ્ય દુર્ગંધ ફેલાવી રહ્યું છે.જેના કારણે આજુબાજુમાં રહેતા લોકો માટે ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું છે.નાના બાળકો,વૃદ્ધો અને બીમાર લોકોની દયનીય સ્થિતિ થવા પામી છે. ગોરના કુવા પાસે આવેલી વિવિધ સોસાયટીઓ કિષ્ણાપાર્ક,ગોકુલ પાર્ક,મંગલતીર્થપાર્ક,જીવન એપાર્ટમેન્ટ,કર્મભુમિ,ભગવતી પાર્ક,મધુબન પાર્ક, ત્રીપદા સોસાયટી,સત્યનારાયણ રો હાઉસ,હિમા પાર્ક,મહાલક્ષ્મી રો હાઉસ,કુંદન ટેર્નામેન્ટ,સુરજ બંગલોઝ,મેઘા બંગલોઝ,રાધાકિશન અને ભાવદીપ સોસાયટી સહિતની સોસાયટીના હજારો રહીશો હેરાનગતિ ભોગવી રહ્યા છે.સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ ગરમીની સિઝનમાં કેનાલમાંથી વધારે ગંદ આવી રહી છે.પાણી કોહવાઇ રહ્યું છે.કચરો સળી રહ્યો છે, સફાઇ થતી ન હોવાથી આ દુર્ગંધ વધી રહી છે.મચ્છરો સાંજે તો ઘરમાં આવી જાય છે જેના કારણે તાવ,ડેન્ગ્યું જેવા રોગ થઇ રહ્યા છે.મ્યુનિ.તંત્રને રજૂઆત પણ કરાઇ છેકે રહેણાંક વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલની સફાઇ કરવામાં આવે,રહીશો તોબા પોકારી ગયા છે. ખુલ્લી કેનાલ એક ગટરના નાળામાં ફેરવાઇ ગઇ છે.ગેરકાયદે ગટરના જોડાણો વધ્યા છે.લોકો પણ કચરો બેફામપણે હાથવગી કેનાલમાં જ પધરાવી રહ્યા છે. આ બાબત ગંભીર છે કેનાલ પાછળ મોટી રકમ ફાળવવામાં આવી રહી છે જે ગ્રાઉન્ડ પર તેના પરિણામો જોવા મળતા નથી.


