કોલંબો,23 માર્ચ,2022,બુધવાર : ભારતની દક્ષિણ આવેલો નાનકડો શ્રીલંકા દેશ મોટી મુસિબતમાં ફસાયો છે.તેના પર આર્થિક દેવું એટલું વધી ગયું છે કે છેલ્લા 70 વર્ષમાં આવી નાણાકિય કટોકટી કયારેય અનુભવી નથી.હમણાં સ્કૂલના લાખો બાળકોની ટર્મ ટેસ્ટ એક પ્રકારનીફાઇનલ પરીક્ષા લેવાની હતી.એક માહિતી મુજબ આ પરીક્ષા શ્રીલંકામાં 45 લાખ સ્કૂલ બાળકોએ આપવાની હતી પરંતુ પ્રિન્ટિંગ પેપરની અછતના લીધે પરીક્ષાઓ રદ કરવી પડી છે.
શ્રીલંકાના પશ્ચિમી પ્રાંતના એજયુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે સરકારી ખજાનામાં પ્રિન્ટિંગ પ્રેસ વિદેશથી આયાત કરવાના પણ પૈસા રહયા નથી એટલું જ નહી પ્રિન્ટિંગ માટેની ઇન્ક પણ રહી નથી.કોરોના મહામારીના બે વર્ષ દરમિયાન પર્યટન ઉધોગ ઠપ્પ થઇ ગયો જે કુલ આવકનો 10 ટકા હિસ્સો ધરાવે છે. 2019માં નવી રચાયેલી ગોટાભાયા રાજપક્ષે સરકારે લોકોની ખરીદશકિત વધારવા ટેકસ દરમાં રાહત આપતા રાજકોષિય આવકમાં ધરખમ ઘટાડો થયો.
દેશમાં કેમિકલ ફર્ટિલાઇઝર્સ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતા ખેતીના ઉત્પાદનો અને આવકમાં ઘટાડો થયો.યુક્રેન અને રશિયા યુધ્ધે પછાડ પર પાટુ મારવાનું કામ કર્યુ છે.રશિયામાં શ્રીલંકાની ચાની નિકાસ થાય છે પરંતુ યુધ્ધના કારણે વેપાર અટકી પડયા છે.શ્રીલંકામાં વિદેશી મુદ્રા ભંડારની એટલી બધી અછત ઉભી થઇ છે કે જીવન જરુરીયાતી ચીજ વસ્તુઓ પણ બહારથી લાવી શકાતી નથી.
ખોરાક,ઇંધણ અને જરુરી દવાઓની પણ આયાત અટકી છે.પેટ્રોલ પંપ પર એટલી બધી લાંબી લાઇનો લાગે છે કે અવ્યવસ્થા ના થાય તે માટે સરકારે હથિયારધારી પોલીસ ગોઠવવી પડી છે.મોંઘવારીએ લોકોની આર્થિક કમર તોડી નાખી છે.વીજળી ઉત્પાદન પર વિપરિત અસર થવાથી 6 થી 7 કલાકનો વીજ કાપ તોળાઇ રહયો છે.
ભારતમાં જ જેમ રિઝર્વ બેંક છે તેમ શ્રીલંકામાં સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકાનો પણ પનો ટુંકો પડે છે.સરકારે આર્થિક કટોકટીની પણ જાહેરાત કરી ચુકી છે.શ્રીલંકાની આ સ્થિતિ થવા માટે વિદેશી દેવું જવાબદાર છે. શ્રીલંકાના માથે ચીન,ભારત અને જાપાનનું દેવું છે.ચીનનું દેવું પ ખર્વ અમેરિકી ડોલરમાં હતું એનું ચુકવણું કરવાના સ્થાને વ્યાજ ભરવાના પણ પૈસા રહયા નહી.
આર્થિક કટોકટીને ખાળવા માટે ગત વર્ષ શ્રીલંકાએ ચીન પાસેથી વધુ 1 અબજ અમેરિકી ડોલર ઉધાર લીધા હતા.ભારત પણ શ્રીલંકાને 1 અબજ ડોલરની મદદ આપી શકે છે.એક માહિતી મુજબ ચીન,જાપાન અને ભારતનું દેવું 7 ખર્વ અમેરિકી ડોલર કરતા પણ વધારે છે.
એક સમયે માથાદિઠ આવક અને વિકાસના લક્ષ્યાંકોની બાબતમાં આ એશિયન દેશ ઉદાહરણ રુપ હતો.તમિળ અને સિંહાલીઓ વચ્ચેનો વર્ગ વિગ્રહ અને એલટીટીઇ જેવા આક્રમક સંગઠનનો ઉપદ્વવ છતાં શ્રીલંકાએ પોતાનો આર્થિક વિકાસ જાળવી રાખ્યો હતો.નાના એવા ટાપુ દેશનું દરિયાઇ વેપાર અને કારોબારમાં ખૂબ મહત્વ હતું.
શ્રીલંકાના વિરોધપક્ષ આ સ્થિતિ માટે રાજપક્ષે સરકારને જવાબદાર ગણી રહયા છે.અગાઉ વિપક્ષના મુખ્ય નેતા હર્ષા ડી સિલ્વા સંસદમાં એવી આગાહી કરી ચૂકયા છે કે જો આર્થિક પતન અટકાવવામાં નહી આવે તો આઇટી સિસ્ટમ ઠપ્પ થઇ જશે.ગૂગલ મેપનો ઉપયોગ કરવાનું પણ ભાડુ આપી શકાય તેવી સ્થિતિ રહી હશે નહી.
શ્રીલંકાનું હમ્બનટોટા પોર્ટ આવી રીતે ચીનના હાથમાં આવી ગયું છે
શ્રીલંકાના માથે ભારત અને જાપાન કરતા ચીનનું દેવું વધારે છે.ચીન દુનિયાના ગરીબ દેશો સાથે ડેબ્ટ ટ્રેપ ડિપ્લોમસી રમે છે એ સમજવા માટે શ્રીલંકાના હમ્બનટોટા પોર્ટનું ઉદાહરણ પુરતું છે.શ્રીલંકાએ ચીનની મદદથી પોતાના આ પોર્ટને વિકસાવવા એક પરિયોજના શરુ કરી હતી.
ચીન પાસેથી દેવું લઇને શ્રીલંકાએ આ પરિયોજનામાં ભાગીદાર બન્યું.ચીને પોતાના કોન્ટ્રાકટ ઉતારીને હમ્બનટોટામાં આગળ વધવા માંડયું પરંતુ અબજો ડોલરની પરીયોજનામાં વિવાદ થતા અધૂરી રહી ગઇ હતી.છેવટે શ્રીલંકા સાથે એક સમજૂતી કરીને ચીને 2017માં 99 વર્ષના ભાડાપટ્ટેથી પોર્ટની 70 ટકા ભાગીદારી ખરીદી લીધી અને ફરીથી હમ્બનટોટામાં રોકાણ કરવાનું શરું કર્યુ.આ રીતે શ્રીલંકાનું હમ્બનટોટા પોર્ટ આવી રીતે ચીનના હાથમાં આવી ગયું છે.


