મુંબઈ, તા. 23 જૂન 2022, ગુરૂવાર : મહારાષ્ટ્રના રાજકારણમાં જે નાટકીય વળાંક આવ્યો છે તેના કારણે ઉદ્ધવ સરકાર પડી ભાંગે તેવી સ્થિતિ પણ સર્જાઈ.શિવસેનાના જ એક મંત્રી એકનાથ શિંદેએ રાજ્ય સરકારના કેટલાક મંત્રીઓ તથા ધારાસભ્યો સાથે મળીને પાર્ટી સામે બળવો પોકાર્યો તથા નવો પક્ષ રચવાનો પણ દાવો કર્યો.જોકે સૌથી પહેલો સવાલ એ થાય કે, પક્ષપલટાના કાયદા અંતર્ગત તે અયોગ્ય ઠેરવાય કે પછી તેમને નવા જૂથની માન્યતા મળી જાય.
જ્યારે કોઈ ચૂંટાયેલા સદસ્યો પાર્ટી છોડે અથવા તો પાર્ટી વ્હિપનું ઉલ્લંઘન કરે એટલે તેમની સદસ્યતા રદ થાય ત્યારે આ કાયદો લાગુ પડે છે.ભારતના બંધારણની 10મી અનુસૂચીને પક્ષપલટા વિરોધી કાયદો કહેવામાં આવે છે. 1985ના વર્ષમાં 52મા સંશોધન સાથે તેને બંધારણમાં સ્થાન મળ્યું હતું.
શા માટે અનુભવાઈ જરૂર
સદસ્યો જ્યારે તેમના અંગત રાજકીય લાભ માટે બીજો કોઈ વિચાર કર્યા વગર જ પાર્ટીઓ બદલવા લાગ્યા ત્યારે આ કાયદાની જરૂરિયાત અનુભવાઈ હતી.અવસરવાદ તથા રાજકીય અસ્થિરતામાં ભારે વધારો થવાની સાથે જ જનાદેશની અવગણના પણ થવા લાગી હતી. આ કારણે તેને નિયંત્રણમાં લેવા માટે કાયદો બનાવવામાં આવ્યો હતો.
શું હોય છે આ કાયદો
આ કાયદા અંતર્ગત જો કોઈ સદસ્ય સદનમાં પાર્ટી વ્હિપ વિરૂદ્ધ મતદાન કરે, જો કોઈ સદસ્ય સ્વેચ્છાએ ત્યાગપત્ર આપે, કોઈ અપક્ષ સદસ્ય ચૂંટણી જીત્યા બાદ કોઈ પક્ષમાં જોડાઈ જાય, કોઈ નામાંકિત સદસ્ય અન્ય કોઈ પક્ષમાં જોડાઈ જાય તો તેની સદસ્યતા ગુમાવશે.
1985ના વર્ષમાં આ કાયદો બનાવવામાં આવ્યો ત્યાર બાદ પણ જ્યારે પક્ષપલટા પર અંકુશ ન લાવી શકાયો ત્યારે તેમાં સંશોધન કરવામાં આવ્યા હતા.તેના અંતર્ગત 2003ના વર્ષમાં એવું નક્કી કરવામાં આવ્યું કે, માત્ર એક વ્યક્તિ જ નહીં પરંતુ જો સામૂહિકરૂપે પક્ષપલટો થાય તો પણ તેને ગેરબંધારણીય ઠેરવવામાં આવશે.
ઉપરાંત તે સંશોધનમાં કલમ 3 નાબૂદ કરવામાં આવી જેના અંતર્ગત એક તૃતિયાંશ (1/3) પાર્ટી સદસ્યો સાથે પક્ષપલટો થઈ શકતો હતો. હવે તે મુજબ કશુંક કરવા માટે બે તૃતિયાંશ (2/3) સદસ્યોની પરવાનગીની જરૂર પડે છે.
ચૂંટણી પંચનું વલણ
ચૂંટણી પંચ પણ આ કાયદા અંગે પોતાની ભૂમિકામાં સ્પષ્ટતા ઈચ્છે છે. એવી માગણી પણ થઈ રહી છે કે, આવા સંજોગોમાં સ્પીકર કે અધ્યક્ષના મતની યોગ્ય સમીક્ષા થવી જોઈએ.ઉપરાંત સ્વેચ્છાએ પાર્ટી છોડવાના અર્થની પણ યોગ્ય રીતે વ્યાખ્યા કરવામાં આવે.તેનું કારણ એ છે કે, આ કાયદાનો ઉપયોગ સદસ્યને પોતાની વાત રજૂ કરતા અટકાવવા તથા ‘પાર્ટી જ સર્વોચ્ય’ છે તેવી ભાવનાને સાચી ઠેરવવાના ઉદ્દેશ્ય માટે પણ થઈ શકે છે.
જોકે 10મી અનુસૂચીના 6 નંબરના ફકરા પ્રમાણે પક્ષપલટા અંગે સ્પીકર કે ચેરપર્સનનો નિર્ણય અંતિમ ગણાશે.ઉપરાંત 7 નંબરના ફકરામાં એવું કહેવામાં આવ્યું છે કે, કોઈ કોર્ટ તેમાં દખલ ન કરી શકે પરંતુ 1991માં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે 10મી અનુસૂચીને માન્ય ગણાવી પણ 7મા ફકરાને ગેરબંધારણીય ઠેરવી દીધો.
પક્ષપલટાનો કાયદો આ સંજોગોમાં ન લાગી શકે
– જ્યારે આખેઆખી રાજકીય પાર્ટી અન્ય રાજકીય પાર્ટીમાં ભળી જાય.
– જો કોઈ પાર્ટીના ચૂંટાયેલા સદસ્ય એક નવી પાર્ટી બનાવી લે.
– જો કોઈ પાર્ટીના સદસ્યો 2 પાર્ટીના વિલયનો સ્વીકાર ન કરે તથા તે સમયે અલગ ગ્રુપમાં રહેવાનું સ્વીકારે.
– જ્યારે કોઈ પાર્ટીના બે તૃતિયાંશ (2/3) સદસ્યો અલગ થઈને નવી પાર્ટીમાં સામેલ થઈ જાય.