નવી દિલ્હી,27 એપ્રિલ,2022,બુધવાર : ગઇ કાલે મંગળવારે બપોરે 2 વાગે પાકિસ્તાનના કરાંચી શહેરના યુનિવર્સિટી કેમ્પસમાં થયેલા આત્મઘાતી હુમલામાં 3 ચીની નાગરિકોના મોત થયા હતા.આ હુમલાની જવાબદારી પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સક્રિય બલોચ લિબરેશમ આર્મી (બીએલએ) એ લીધી છે.નવાઇની વાત તો એ છે કે આ હુમલો એક બીએલએ સમર્થક મહિલાએ કર્યો હતો. અગાઉ ચીનના નાગરિકોનો પર હુમલાઓ અને વિરોધ કરી ચુકયું છે.2018માં ચીનના વાણીજય દુતાવાસ પર થયેલા હુમલાની જવાબદારી બીએલએ સ્વીકારી હતી.ગત વર્ષ ગ્વાદર પોર્ટ પર ચીનના એન્જીનિયરો પર પણ હુમલા થયા હતા.પાકિસ્તાનમાં ચાલતી ચીન વિરોધી આ હિંસક ગતિવિધીઓથી ચીન નારાજ રહે છે.
આ અલગાવવાદી સંગઠનનું નેતૃત્વ બશીર જેબ બલોચ કરે છે
આથી ચીન વિરોધી ગણાતી બલોચ લિબરેશન આર્મી શું છે તે સમજવું જરુરી છે.બીએલએ પાકિસ્તાનમાં એક અલગાવવાદી સંગઠન છે જેને બલૂચિસ્તાનમાં પાકિસ્તાનથી પૂર્ણ આઝાદી જોઇએ છે.આ સંગઠનનું નેતૃત્વ બશીર જેબ બલોચ કરે છે.એક સમયે અત્યંત ખુંખાર ગણાતો બલોચ મર્રીના હાથમાં નેતૃત્વ હતું પરંતુ મર્રી 2007માં અફઘાનિસ્તાનમાં માર્યો ગયો એ પછી સંગઠન થોડું નબળું પડયું હતું.ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) ના નિર્ણય પછી બશીર જેબ બલોચ ફરી સંગઠન મજબૂત બનાવ્યું છે.આમ તો અનેક નાના મોટા અલગાવવાદી સંગઠનો પાકિસ્તાનની આર્મી સાથે ટકરાતા રહયા છે જેમાં બીએલએ મજબૂત ગણાય છે.
પાકિસ્તાન સરકારના ઓરમાયા વર્તનથી પછાત રહયા છે
બલોચિસ્તાન પાકિસ્તાનનો વિસ્તારની દ્રષ્ટીએ સૌથી વિશાળ પહાડી પ્રાંત છે.આ પ્રાંતની સરહદ ઉત્તરમાં અફઘાનિસ્તાન અને પશ્ચિમમમાં ઇરાન સાથે સંકળાયેલી છે.બલુચિસ્તાન પહાડી ઉપરાંત દરિયાકાંઠાનો વિસ્તાર પણ ધરાવે છે જે અરબ સાગર સાથે જોડાયેલો છે.હાડમારી ભર્યુ જીવન હોવાથી વસ્તી વિસ્તારની સરખામણીમાં ઓછી છે.બલોચ અલગાવવાદીઓનું માનવું છે કે પોતાના વિસ્તારના કુદરતી સ્ત્રોતોનું ગેરકાયદેસર રીતે ખૂબ દોહન થયું છે.સોના સહિતની કિંમતી ખનીજો અને કુદરતી ગેસ મળવાની સંભવના દર્શાવતું ગેસ ફિલ્ડ છે. બલુચિસ્તાન માટે પાકિસ્તાનની સંઘીય સરકારોના ઓરમાયા વર્તનથી લોકો પછાત રહી ગયા છે.આવી લાગણી કાયમી બની ગઇ છે.
બલોચ લિબરેશન આર્મી સીપીઇસી (ચીન પાકિસ્તાન ઇકોનિમિક કોરિડોર) પછી વધારે સક્રિય બની છે
પાક આર્મીએ માનવતાની તમામ હદો પાર કરીને લોકો સાથે ક્રુર વર્તન પણ કરે છે.બીએલએ છેલ્લા કેટલાક સમયથી પાક આર્મી ઉપરાંત ચીની નાગરિકોને પણ ટાર્ગેટ કરી રહયું છે. આ પ્રાંતમાં પાકિસ્તાન સરકાર ચીનની મદદથી દેવું કરીને વિકાસ કરી રહયું છે.ચીનની એક કંપની બ્લોચિસ્તાનમાં સોના અને તાંબા ધાતુંની શોધ માટે ખોદકામ કરી રહી છે.આ ઉપરાંત ગ્વાદર પોર્ટનો વિકાસ પણ પાકિસ્તાન સીપીઇસી હેઠળ ચીનની મદદથી કરી રહયું છે.ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર તરીકે ઓળખાતી આ પરિયોજનામાં 60 અબજ ડોલરથી પણ વધુ ખર્ચ થવાનો છે.બલોચ લિબરેશન આર્મી માને છે કે પહેલા આર્થિક વિકાસ નહી અમારી આઝાદીનો વિચાર કરો.પાકિસ્તાન સાથે રહેવું નથી આથી પરિયોજના પર કામ કરનારા ચીની સ્ટાફને પાછા જતા રહેવાની પણ અનેક વાર ચેતવણી બીએલએ આપી હતી.આ ચેતવણીને ગણકારવામાં નહી આવતા હવે ચીની સ્ટાફને જ ટાર્ગેટ કરવા માંડયા છે.