બનારસ,18 માર્ચ,2022, શુક્રવાર : ભારતની સાંસ્કૃતિક નગરી બનારસની હોળી સાવ નિરાળી છે.અહીં અબીલ ગુલાલ છાંટવા માટે ફાગણની પુર્ણીમાની કોઇ રાહ જોતું નથી.અગિયારશની તિથિએ હોળી મિલન અને સમારોહ સાથે ઉત્સવનો આરંભ થઇ જાય છે.યુવાનોના ગ્રુપ ઢોલ નગારાની થાપ પર ફાગના ગીતો ગાતા નજરે પડે છે.હોળી પર્વ નિમિત્તે બારાત કાઢવીએ બનારસની આગવી પરંપરા છે.જેમાં દુલ્હો રથ પર સવાર થઇને નિકળે છે.
જાનનું આગમન થાય એટલે ચોકકસ સ્થળે તેનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવે છે.ચોરીના ફેરા માટેનો મંડપ સજાવવામાં આવે છે.પરણવા ઉતાવળી થયેલી દુલ્હન સોળે શણગાર સજીને મંડપમાં હાજર થાય છે.લગ્નના મંડપમાં દુલ્હા અને દુલ્હન વચ્ચે ચકમક ઝરે છે આથી દુલ્હાએ પહેરેલા કપડે પરણ્યા વીના પાછા ફરવું પડે છે.દુલ્હા અને દુલ્હન વચ્ચેના ચકમકના સંવાદોમાંથી ઉત્પન્ન થતું હાસ્ય માણવા અનેક લોકો એકઠા થાય છે.
બીજી એક વિશિષ્ટ હોળી રાજસ્થાનના બિકાનેરમાં ઉજવાય છે. પાણી ચામડાના ખાસ પ્રકારના પાત્રમાં ભરીને છાંટવામાં આવતું હોવાથી તેને ડોલચી હોલી કહેવામાં આવે છે.આ ડોલચીમાં પાણી ભરીને તેને પીઠ પર બાંધવામાં આવે છે.મોકો જોઇને ખલૈયાઓ ડોલચીનું પાણી ફેંકીને હોળી ખેલે છે.આ ચામડાના આ પાત્રમાં સંગ્રહ કરાયેલું રંગીન પાણી અને ફૂલોની પાંખડીઓ ઢોળાય ત્યારે લોકો હર્ષની ચિચિયારીઓથી વાતાવરણને ઉત્સવમય બનાવી દે છે.દોલચી હોળીની આ પરંપરા 400 વર્ષ જુની છે.

