ભારતના રાષ્ટ્રપતિશ્રી રાષ્ટ્રના સર્વોચ્ચ વડા છે.તેઓ માટે તેવી માન્યતા રહેલ છે કે તેઓ ‘નામ-માત્ર’ના જ ‘વડા’ છે.તેથી તેઓની કેટલીક ફરજો અને કેટલાક અધિકારો વિશે જરા જોઈએ. A.C. Kapoor અને Basuનાં સંવિધાન અંગેના ગ્રંથોમાં તે વિષે વિશદ્ વિશ્લેષણ આપવામાં આવ્યું છે.પરંતુ આપણે તેમાંથી માત્ર કેટલાક મહત્વના મુદ્દાઓને જ જોઈશું.
(૧) રાષ્ટ્રપતિ પદ માટે સર્વ-સાધારણત: વિદ્વાન અને સમર્થ વ્યક્તિની જ વરણી થતી હોય છે.અનિવાર્ય લાગે ત્યારે તેઓ વડાપ્રધાનને બોલાવી સલાહ-સૂચનો આપી જ શકે છે.સર્વ સામાન્યત: તેઓનાં તે સૂચનોનો અમલ પણ કરવામાં આવે છે.
(૨) દેશની બાહ્ય કે આંતરિક સલામતી માટે કે દેશમાં કે દેશના કોઈ રાજ્યમાં રાજકીય અવ્યવસ્થા હોય તો તેઓ સમગ્ર દેશમાં ‘કટોકટી’ની સ્થિતિ જાહેર કરી શકે છે.જો કે તે માટે પરંપરા તેવી છે કે વડાપ્રધાન જ તેઓને ‘આપત્તિ કાલીન સ્થિતિ’ જાહેર કરવા કહે છે.પરંતુ તે એક પરંપરા છે.તેવી કોઈ સંવૈધાનિક અનિવાર્યતા નથી.દેશનાં કોઈ રાજ્યમાં રાજકીય અસ્થિરતા જોવા મળે કે આંતરકિ અશાંતિ ઉભી થતા જો રાજ્યપાલ રાષ્ટ્રપતિને ‘રાષ્ટ્રપતિ શાસન’ સ્થાપવા ભલામણ કરે તો, રાષ્ટ્રપતિથી તેઓના વિશેષ અધિકારોનો ઉપયોગ કરી ત્યાં રાષ્ટ્રપતિ શાસન (કેન્દ્ર સરકારનું શાસન) સ્થાપી શકે છે.
(૩) યુદ્ધ કે શાંતિની જાહેરાત હંમેશાં રાષ્ટ્રપતિના નામે જ થાય છે.
(૪) યુદ્ધ સમયે અનિવાર્ય લાગે તો તેઓ પોતે જ સેનાને તે પ્રમાણે કાર્યવાહી કરવા આદેશ આપી શકે છે.પરંતુ તેવી ઘટના જવલ્લે જ બને છે.સામાન્યત: સેનાઓને અપાતા આદેશો વડાપ્રધાન દ્વારા સંરક્ષણમંત્રીને પહોંચાડાય છે.
(૫) તેઓ વડા પ્રધાનને નિયુક્ત કરે છે.વડાપ્રધાન તેઓનું મંત્રીમંડળ રચે છે.જેમાં રાજ્ય કક્ષાના પ્રધાનો સુધીની શપથવિધિ રાષ્ટ્રપતિ કરાવે છે. (રાજ્યોમાં રાજ્યપાલો કરાવે છે.)
(૬) સૌથી મહત્વની વાત તો તે છે કે, રાષ્ટ્રપતિ રાષ્ટ્રભરમાં ચાલતી ગતિવિધિઓ ઉપર તો નજર રાખે જ છે. તેમાં જો કોઈ મંત્રીની (કેન્દ્રના) કાર્યવાહી અયોગ્ય લાગે તો તેનું ત્યાગપત્ર માગી લેવા વડાપ્રધાનને કહી શકે છે.વડાપ્રધાન જો તેનો અમલ ન કરે તો, જો રાષ્ટ્રપતિશ્રી પોતે તે મંત્રીનું ત્યાગપત્ર માગી લે તો વડાપ્રધાને જ પોતાનું ત્યાગપત્ર રજૂ કરી દેવું પડે. ૧૯૬૨માં ચીન સામે ભારતને વેઠવા પડેલા પરાજયને પગલે તે સમયે રાષ્ટ્રપતિ પદે રહેલા ડૉ. રાધાકૃષ્ણનજીએ જવાહરલાલ નહેરુને જણાવ્યું કે, તમે સંરક્ષણ મંત્રી કૃષ્ણ મેનનનું ત્યાગપત્ર માગી લો.ત્યારે નહેરૃજીએ જરા આનાકાની કરી તેથી રાધાકૃષ્ણનજીએ કહ્યું હતું ”તો પછી મારે જ ત્યાગપત્ર માગવું પડશે.” આ એક જ વાક્યમાં નહેરુ સમજી ગયા અને કૃષ્ણમેનને ત્યાગપત્ર આપવા જણાવી દીધું.તે પછી મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદે રહેલા શંકર રાવ ચવ્હાણને સંરક્ષણ મંત્રી બનાવવાનું પણ રાધાકૃષ્ણનજીનું જ સૂચન હતું.જે સ્વીકારવામાં પણ આવ્યું.
૧૯૬૫ના યુદ્ધ સમયે જમ્મુ અને કાશ્મીરના ચીકન-નેક કહેવાતા વિસ્તારમાં પ્રચંડ હુમલો કરવા પાકિસ્તાન ટેન્કો ગોઠવતું હતું ત્યારે ભારતની ભૂમિસેનાના વડા જનરલ જયંતનાથ ચૌધરી રક્ષણ કરનારાં વિમાનોની વચ્ચે રાષ્ટ્રપતિ શ્રી રાધાકૃષ્ણનજીનું વિમાન રાખી દૂરથી પાકિસ્તાનની ટેન્કોની લાઈન દર્શાવી અને વિમાની હુમલા કરવા દેવાની અનુમતિ માગી ત્યારે રાધાકૃષ્ણનજીએ પોતે જ ભારતીય વિમાનદળના વડાને તે માટે આદેશ આપી દીધો હતો,સાથે યુદ્ધની સ્થિતિમાં જ પરિવર્તન આવી ગયું.
રાષ્ટ્રપતિ વિશિષ્ટ સંયોગોમાં વિશિષ્ટ પગલાં પણ લઈ શકે છે. ૧૯૮૪માં ઈન્દીરા ગાંધીની હત્યા થઈ. (૩૧ ડીસેમ્બર સવારે ૯-૨૦ કલાકે. તેઓ ઉપર અંધાધૂંધ ગોળીબાર તેમના જ સલામતી રક્ષકોએ કર્યો હતો) ત્યારે તે સમયે કલકત્તા ગયેલા રાજીવ ગાંધીને રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહે વાયરલેસ દ્વારા ખબર પહોંચાડી. (પોલીસ ઓફિસ અને લશ્કરી મથકનાં વાયરલેસ સ્ટેશને ખબર પહોંચાડી) તેમને દિલ્હી બોલાવી લીધા હતા અને પોતે જ રાજીવ ગાંધીને વડાપ્રધાન પદે નિયુક્ત કરી શપથ લેવડાવ્યા હતા.તે પણ સર્વવિદિત છે.
આમ, રાષ્ટ્રપતિશ્રીએ કોઈપણ પ્રકારની આપત્તિ સમયે તેઓને દેશ હિતમાં યોગ્ય લાગે તેવા પગલાંનો અધિકાર સંવિધાન આપે જ છે.તે પ્રકારનો તેમાં ઉલ્લેખ પણ છે.આ અંગે પ્રો. આર.કે. ગુપ્તાએ જણાવ્યું હતું કે, અણીના સમયે તો તેઓએ સંવિધાન-આપેલી સત્તાનો ઉપયોગ કરવો જ જોઈએ.