– કેરળના કોઝિકોડથી પ્રચારક શફીક પાએથની ધરપકડ પછી થઈ રહી છે પૂછપરછ
– 17 ફેબ્રુઆરી 2007ના રોજ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાની થઈ હતી રચના
– 250થી વધુ સંગઠનના સભ્યોની થઈ ચૂકી છે ધરપકડ
આતંકવાદી ફંડિંગ અને ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ કટ્ટરપંથી ઇસ્લામી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા ( પીએફઆઇ) પર પાંચ વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.ગૃહમંત્રાલયે તે સંબંધી જાહેરનામું જારી કરી દીધું છે.એનઆઇએ અને તમામ રાજ્યોની એજન્સીએ પીએફઆઇના અનેક સરનામે દરોડા પાડીને સંગઠનના 250થી વધુ સભ્યોની ધરપકડ કરી છે.આ સંગઠન વિશે વિસ્તૃત માહિતી મેળવવા પ્રયાસ કરીએ. 17 ફેબ્રુઆરી 2007ના રોજ પીએફઆઇ સંગઠનની રચના થઈ હતી.દક્ષિણ ભારતના ત્રણ મુસ્લિમ સંગઠનોના વિલીનીકરણ સાથે તેની રચના થઈ હતી.તેમાં કેરળના નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ,કર્ણાટક ફોરમ ફોર ડિગ્નિટી અને તામિલનાડુના મનિથા મીતિ પસરાઈ જેવા સંગઠનોનો સમાવેશ થાય છે.પીએફઆઇ હાલમાં દાવો કરે છે કે તે દેશના 23 રાજ્યોમાં સક્રિય છે.દેશમાં સિમી સંગઠન પર પ્રતિબંધ લાગ્યા પછી પીએફઆઇનો વિસ્તાર ઝડપથી થયો હતો.કર્ણાટક અને કેરળ જેવા રાજ્યોમાં સંગઠન મજબૂત પકડ ધરાવે છે.સંગઠનની અનેક શાખાઓ પણ છે.સંગઠનની રચના થઈ ત્યારથી જ તેના પર સમાજ વિરોધી અને દેશવિરોધી પ્રવૃત્તિ કરી રહ્યું હોવાના આક્ષેપ થતા રહ્યા છે.
સંગઠનનો પાયો કઈ રીતે નખાયો? કયા ખતરનાક ઇરાદા સાથે છે કાર્યરત સંગઠન? ભંડોળ કઈ રીતે મળે છે?
ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ઈડીએ પીએફઆઇની વિદ્યાર્થી પાંખ કેમ્પસ ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના પાંચ સભ્યો સામે મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી.ઈડીની તપાસમાં જાણકારી મળી હતી કે પીએફઆઇના રાષ્ટ્રીય મહામંત્રી એ.રઉફ અખાતી દેશોમાં બિઝનેસ સોદાની આડમાં પીએફઆઇ માટે ભંડોળ એકત્ર કરતો હતો.તે નાણાં પછી વિવિધ રસ્તે પીએફઆઇ અને સીએફઆઇ સુધી પહોંચતા હતા.એજન્સીના જણાવ્યા મુજબ રૂપિયા 1.36 કરોડની રકમ ગેરકાયદે મેળવવામાં આવી હતી.દિલ્હીમાં વર્ષ 2020માં થયેલા રમખાણોમાં પણ તેનો ઉપયોગ થયો હતો.વર્ષ 2013 પછી પીએફઆઇ દ્વારા રોકડ ટ્રાન્સફર અને ડિપોઝિટની પ્રવૃત્તિ વધી ગઈ હતી.તપાસ એજન્સીનું કહેવું છે કે હવાલાની મદદથી ભારતમાં પીએફઆઇ સુધી નાણાં પહોંચતા હતા.
PM મોદી સંગઠનના નિશાન પર હતા
ઇડીએ પીએફઆઇ અંગે સનસનાટીપૂર્ણ સ્પષ્ટતા કરી છે.અધિકારીઓએ દાવો કર્યો છે કે વડા પ્રધાન મોદી સંગઠનના નિશાન પર હતા.આ વર્ષે જુલાઈમાં સંગઠને બિહારની રાજધાની પટણામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરવાની યોજના બનાવી હતી.તે માટે સંગઠને પટણામાં ટ્રેનિંગ કેમ્પનું આયોજન પણ કર્યું હતું.નાણાકીય સહાય માટે અનેક વિદેશી તાકાતોનો સંપર્ક પણ કર્યો હતો.વડાપ્રધાન મોદીની તમામ હિલચાલ પર નજર રખાઈ રહી હતી.
મુસ્લિમો પર કથિત અત્યાચારોના નામે ભંડોળ એકત્ર કરે છે, પૂછપરછમાં સંખ્યાબંધ રહસ્યો ખૂલ્યા
પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ)ના પ્રચારક અને સક્રિય સભ્યો અખાતી દેશોમાંથી જકાતના નાણાં મેળવે છે.તે માટે ત્યાંના ધનવાન બિઝનેસમેનને ભારતમાં મુસ્લિમો પર થઈ રહેલા જુલ્મોની ખોટી કથાઓ કહીને ભંડોળ મેળવે છે,અને તે પછી એ જ નાણાંનો ઉપયોગ ભારતમાં આતંકની પાઠશાળા ચલાવવા ઉપયોગ કરે છે.પીએફઆઇ ગરીબોને અભ્યાસ માટે અને સારવાર માટે નાણાકીય મદદ કરીને પોતાના નેટવર્કનો વિસ્તાર કરે છે.પીએફઆઇના પ્રચારક શફીક પાએથની કેરળના કોઝિકોડથી ઈડી દ્વારા થયેલી ધરપકડ પછી ચાલી રહેલી પૂછપરછમાં આ સ્પષ્ટતા થઈ છે.ઈડીના હઝરતગંજ ખાતે આવેલા કાર્યાલયમાં શફીકની પૂછપરછ થઈ રહી છે.ત્રણ ઓક્ટોબરે શફીકના રિમાન્ડ પૂરા થશે.રિહૈબ ઇન્ડિયા ફાઉન્ડેશન પીએફઆઇ માટે ભંડોળ એકત્ર કરવાની કામગીરી કરે છે.તે ફાઉન્ડેશન જ શફીકને નાણાં આપે છે.શફીકે લખનઉના અનેક જિલ્લા તેમ જ ભારત-નેપાળ સરહદી વિસ્તારમાં સંગઠનને મજબૂત કરવા માટે તે નાણાંનો ઉપયોગ કર્યો હતો.ફાઉન્ડેશન તરફથી મળતા નાણાં ધાર્મિક સંસ્થાઓમાં લગાવવામાં આવે છે.તે સંસ્થાઓમાં ધર્મને નામે જેહાદનો સંદેશો આપવામાં આવે છે.તે નાણાંની મદદથી જરૂરિયાતમંદોને લાલચ આપીને ધર્માંતરણ અને લવ જેહાદ કરાવવામાં આવે છે.ઈડીને જાણકારી મળી છે કે શફીકની મદદથી પીએફઆઇ અખાતી દેશો સાથે સંકળાય છે.શફીક વિદેશીઓને પણ સંગઠનમાં સામેલ કરવાની કામગીરી કરે છે.
અખાતી દેશોમાંથી નાણાં મેળવીને ભારતમાં ચલાવે છે આતંકની પાઠશાળા : 250 વોટ્સએપ ગ્રૂપ બનાવીને કરી રહ્યો હતો પ્રચાર
ઈડી સૂત્રોએ જણાવ્યા મુજબ શફીક ગલ્ફ તેજસ ડેલી નામના અખબારની મદદથી લોકોને ધાર્મિક ઉન્માદ માટે ઉશ્કેરતો હતો.વર્ષ 2018માં આ અખબાર પર પ્રતિબંધ લદાયા પછી શફીક લગભગ 250 વોટ્સએપ જૂથો ઊભા કરીને પીએફઆઇનો પ્રચાર કરતો હતો.અત્યાર સુધીની તપાસમાં જાણકારી મળી છે કે અખાતી દેશોમાં આવેલા નાણાંની મદદથી જ હાથરસ કાંડ પછી ઉત્તરપ્રદેશમાં વાતાવરણ ડહોળવા પ્રયાસ કર્યો હતો.ગલ્ફ તેજસ તે કેરળથી પ્રકાશિત તેજસ અખબારનો ભાગ હતું.તે અખબારના ઓળખપત્ર પર જ સિદ્દીક કપ્પન હાથરસ કાંડનું કવરેજ કરવા આવ્યો હતો.
અબુધાબીના રેસ્ટોરન્ટના માધ્યમથી આવે છે હવાલાનાં નાણાં
એનઆઇએના સૂત્રોના જણાવ્યા મુજબ શફીકને તેના અખબારના સંચાલક વિદેશથી આવતા નાણાં આપતા હતા.પીએફઆઇના સભ્ય અબ્દુલ રઝાક બીપીએ તેની ધરપકડ થયા પછી સુરક્ષા એજન્સીની પૂછપરછમાં સ્પષ્ટતા કરી છે કે તે અબુધાબીના દરબાર રેસ્ટોરન્ટ પાસેથી હવાલાની મદદથી નાણાં મેળવતો હતો.તે રેસ્ટોરન્ટ તેનો ભાઈ ચલાવતો હતો.રઝાક પણ તેજસ અખબાર સાથે સંકળાયેલો છે.દિલ્હીના શાહિનબાગ આંદોલનમાં જોવા મળી હતી સંગઠનની ભૂમિકા,લોકોને સરકાર વિરુદ્ધ ઉશ્કેર્યા હતા.
સ્થાનિકોને શાહિનબાગ આંદોલનમાં વાંધાજનક લોકોની સંડોવણીની ગંધ આવી હતી
સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા સંગઠન આતંકવાદી પ્રવૃત્તિમાં સંકળાયેલું હોવાનું સામે આવતાં તે સંગઠન અને તેની સાથે સંકળાયેલા સંગઠનો પર પ્રતિબંધ લાદી દીધો છે.આતંકવાદ વિરોેધી કાયદા( યુએપીએ) હેઠળ રિહૈબ ઇન્ડિયા ફાઉન્ડેશન (આરઆઇએફ),કેમ્પસ ફ્રન્ટ ઓફ ઇન્ડિયા,ઓળ ઇન્ડિયાઇમામ કાઉન્સિલ,નેશનલ ફેડરેશન ઓફ હ્યુમન રાઇટ ઓર્ગેનાઇઝેશન,નેશનલ વિમેન ફ્રન્ટ,જુનિયર ફ્રન્ટ,એમ્પાવર ઇન્ડિયા ફાઉન્ડેશન અને રિહૈબ ફાઉન્ડેશન (કેરળ) પર પ્રતિબંધ લાદી દીધો છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા મંગળવારે મોડી રાતે જારી જાહેરનામા મુજબ પીએફઆઇના કેટલાક સભ્યો પ્રતિબંધિત સંગઠન સિમીના નેતા છે.પીએફઆઇ પ્રતિબંધિત સંગઠન જમાત-ઉલ- મુજાહિદ્દીન બાંગ્લાદેશ(જેએમબી) સાથે સંબંધ પણ ધરાવે છે.દિલ્હીના શાહિનબાગ વિસ્તારમાંથી મંગળવારે 30 લોકોની ધરપકડ થતાં તંગદિલીપૂર્ણ વાતાવરણ છે.આરોપ છે કે તે લોકો દેશવિરોધી પ્રવૃત્તિમાં સામેલ હતા અને આવનારા દિવસોમાં મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા.વિસ્તારમાં કલમ 144 અમલી બનાવવામાં આવી છે.પીએફઆઇનું નામ દિલ્હી માટે નવું નથી.તે પહેલાં દક્ષિણ દિલ્હીના શાહિનબાગ વિસ્તારમાં પણ પીએફઆઇના નેતૃત્વમાં અનેક મહિના સુધી દેખાવો અને આંદોલન થયા હતા.આંદોલન સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે પીએફઆઇ દ્વારા જ શાહિનબાગ ખાતે આંદોલનની શરૂઆત થઈ હતી.સંગઠને સીએએ અને એનઆરસી કાયદા મુસ્લિમોના વિરોધમાં હોવાનું લોકોને સમજાવીન લોકોને સંગઠિત કરવાની પહેલ કરી હતી.સંગઠનને તેમાં સારી સફળતા મળી હતી.તે પછી સ્થાનિકો પણ આંદોલનમાં જોડાયા હતા.
શાહિનબાગ આંદોલનમાં તિરાડ પડી હતી
શાહિનબાગ આંદોલનના કેટલાક આયોજકો પીએફઆઇ દ્વારા મૂકવામાં આવતી દરખાસ્તોના વિરોધી બની ગયા હતા.એક તરફ સરકાર લોકોને તે સમજાવવાના કામે લાગી હતી કે કાયદા દેશના કોઈ મુસ્લિમના વિરોધમાં નથી.સ્થાનિકો સવાલ ઉઠાવવા લાગ્યા હતા કે જે કાયદા દેશના મુસ્લિમોના વિરોધમાં નથી તેનો વિરોધ શા માટે કરવો જોઈએ? પરંતુ આંદોલન વેગીલું બનતાં આવા પ્રશ્ન ઉઠાવનારા કેટલાક આયોજકોએ જ આંદોલનથી અંતર બનાવી લીધું હતું.
આંદોલન વખતે સામે આવી વાંધાજનક પ્રવૃત્તિ
શાહિનબાગ આંદોલન વિષે પ્રચાર થતો રહ્યો કે તે અહિંસક છે.આટલા લાંબા આંદોલન પછી પણ આંદોલનકારીઓ તરફથી કોઈને નુકસાન નહોતું પહોંચ્યું.તે વખતે દેખાવકારો પર ગોળીબાર કરવાની અને સ્થાનિકો દ્વારા પરંતુ વિરોધની હકીકત પણ સામે આવી.તેમ છતાં આંદોલનકારીઓએ કોઈ ઉપદ્રવ નહોતો કર્યો તેમ પ્રચાર થતો રહ્યો.પરંતુ હકીકત એ છે કે પૂર્વ દિલ્હીમાં આ પ્રકારના દેખાવો પછી જ રમખાણો ફાટી નીકળ્યા હતા.પોલીસ રેકર્ડ મુજબ રમખાણોમાં 35 લોકોનાં મૃત્યુ નોંધાયા હતા. શાહીનબાગ આંદોલન સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ આંદોલનના આરંભના થોડા દિવસ પછી જ પીએફઆઇ સાથે સંકળાયેલા લોકોની વાંધાજનક પ્રવૃત્તિ સામે આવે હતી.સ્થાનિકોને વાંધાજનક લોકો પણ આંદોલનમાં સામેલ થયાની જાણકારી મળતાં આંદોલનમાં મહિલાઓને મોકલવાનું બંધ કરી દીધું હતું.તે પછી આંદોલનમાં ભીડ બતાવવા બહારથી લોકોને લાવવામાં આવ્યા હતા.પીએફઆઇ દ્વારા તે હેતુસર ભંડોળની વ્યવસ્થા થઈ હતી.