- લોકો કોરોનાથી બચવા માટે સાવધાનીના પાલનમાં અવગણના સાથે બેદરકારીપૂર્વક ફરી રહ્યા છેઃ જાદુગર સમ્રાટ શંકર
નવી દિલ્હી,તા.29 ડિસેમ્બર,બુધવાર : દેશમાં વધી રહેલા ઓમિક્રોનના કેસ અને ત્રીજી લહેરના જોખમ વચ્ચે મશહૂર જાદુગર સમ્રાટ શંકરે સામાન્ય લોકોને જાગૃત કરવાનો નિર્ણય લીધો છે.આ માટે જાદુની કળાના આધારે માસ્ક,સાબુ અને સેનિટાઈઝર તૈયાર કરવામાં આવશે.આ સાથે જ લોકોને તેના નિયમિત ઉપયોગ માટે સલાહ પણ આપવામાં આવશે.આ દરમિયાન તેઓ લોકોને વિનંતી કરશે કે,વેક્સિનના બંને ડોઝ લઈને સુરક્ષિત રહી શકાય છે.
છેલ્લા 45 વર્ષોથી દેશ-વિદેશમાં આશરે 30 હજાર શો કરી ચુકેલા જાદુગર સમ્રાટ શંકરે કોવિડના વિશેષ જાગૃતતા અભિયાન માટે 5 રાજ્યોની પસંદગી કરી છે.તેમાં દિલ્હી ઉપરાંત હરિયાણા,ઉત્તર પ્રદેશ,રાજસ્થાન અને પંજાબનો સમાવેશ થાય છે.આ તમામ શો નિઃશુલ્ક હશે. સમ્રાટ શંકરના કહેવા પ્રમાણે જાદુ દ્વારા તેઓ હાથી,કાર સહિતની બીજી વસ્તુઓ પણ ગાયબ કરી શકે છે.કોરોનાના ગાયબ થવા માટે જરૂરી છે કે,કોવિડ પ્રોટોકોલના પાલન ઉપરાંત સૌ લોકો વેક્સિનના બંને ડોઝ લગાવડાવે.
સમ્રાટ શંકરે કોરોનાની ત્રીજી લહેરના આગમન અંગે દુખ વ્યક્ત કરતા કહ્યું કે,ઓમિક્રોનનો કહેર ઝડપથી વધી રહ્યો છે.તેમ છતાં લોકો કોરોનાથી બચવા માટે સાવધાનીના પાલનમાં અવગણના સાથે બેદરકારીપૂર્વક ફરી રહ્યા છે. આંકડાઓનો સહારો લઈને તેમણે હજુ પણ 10 કરોડ કરતાં વધારે લોકોએ વેક્સિનનો બીજો ડોઝ નથી લીધો તેમ કહ્યું હતું.
હજુ પણ એવા લાખો લોકો છે જેમણે કોરોનાથી બચવા માટે હજુ સુધી એક પણ ડોઝ નથી લીધો. દેશની સ્થિતિને જોતાં જાદુગર સમ્રાટ શંકરે જાદુની મદદથી જાગૃતિ ફેલાવવાનું બીડું ઝડપ્યું છે.આ મશહૂર જાદુગરનો શો દેશના રાષ્ટ્રપતિ,વડાપ્રધાન,મુખ્યમંત્રી,રાજ્યપાલ અને મંત્રીઓ ઉપરાંત અનેક ફિલ્મી કલાકારો પણ જોઈ ચુક્યા છે.