ભાષણ દરમિયાન આબે પર થયો હુમલો : ૪૨ વર્ષીય શંકાસ્પદની ધરપકડ જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે(Shinzo Abe)પર ગોળીબાર થયો છે.મળતી માહિતિ પ્રમાણે,શિન્ઝો આબે પશ્ચિમ જાપાનના નારા શહેરમાં એક સભાને સંબોધન કરી રહ્યા હતા અને તે દરમિયાન તેઓ અચાનક ઢળી પડ્યા હતા.સભાસ્થળે ગોળીબાર કરાયાનો અવાજ સંભળાયો હતો અને આબેના શરીરમાંથી લોહી નીકળતું દેખાયું હતું.તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.આબેની હાલત કેવી છે તે વિશે હજી સુધી કોઈ સમાચાર નથી.તેમજ ગોળી કોણે અને શા માટે ચલાવી તે પણ સ્પષ્ટ થઈ શક્યું નથી.
અત્યાર સુધી મળેલી માહિતિ પ્રમાણે,શિન્ઝો આબેને છાતીમાં બે ગોળી વાગી હતી.તેમનું ઘણું લોહી વહી જતા સ્થિતિ નાજુક છે.આબે ઢળી પડતાં ત્યાં હાજર લોકોને શરુઆતમાં કંઈ સમજાયું નહોતું.પરંતુ તેમને ગોળીબારનો અવાજ સંભળાયો હતો.પોલીસે જણાવ્યું છે કે,આ મામલે એક ૪૨ વર્ષીય શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.જણાવવામાં આવી રહ્યું છે કે,ભાષણ દરમિયાન આબેને પાછળથી ગોળી મારવામાં આવી છે.
જાપાનના મીડિયા રિપોર્ટ્સ અનુસાર,ગોળી વાગ્યા બાદ શિન્ઝો આબેને હાર્ટ એટેક પણ આવ્યો છે.જો કે સત્તાવાર રીતે આ અંગે કોઈ નિવેદન કરવામાં આવ્યું નથી.જાપાનમાં રવિવારે અપર હાઉસની ચૂંટણી યોજાવાની છે.આબે નારા શહેરમાં ચૂંટણી પ્રચારના ભાગરૂપે સભા કરી રહ્યા હતા.તે સિવાય હુમલા બાદ ઘટનાસ્થળ પરથી કેટલાક વીડિયો પણ વાયરલ થયા છે.જેમાં સ્થળ પર અફરી-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
તમને જણાવી દઇએ કે,૬૭ વર્ષીય શિન્ઝો આબે લિબરલ ડેમોક્રેટિક પાર્ટી(LDP)સાથે જોડાયેલા હતા.શિન્ઝો આબે ૨૦૦૬થી ૨૦૦૭ અને પછી ૨૦૧૨થી ૨૦૨૦ સુધી વડાપ્રધાન પદ પર રહ્યાં હતા.૨૦૨૦માં તેમણે ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું હતું.